WPL 2026 / બેંગલુરુ બાદ હવે ગુજરાત જાયન્ટ્સ પ્લેઓફની નજીક પહોંચ્યું, કેવી છે અન્ય ટીમોની સ્થિતિ?

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ની 14મી મેચમાં ગુજરાત જાયન્ટ્સ (GG) એ યુપી વોરિયર્સને 45 રનથી હરાવ્યું હતું. આ સિઝનમાં ગુજરાતની 6 મેચમાં આ ત્રીજી જીત હતી. જ્યારે યુપીની 6 મેચમાં ચોથી હાર હતી. આ હારથી યુપી વોરિયર્સ પોઈન્ટ્સ ટેબલમાં તળિયે એટલે કે પાંચમા સ્થાને ધકેલાઈ ગયું છે. જ્યારે ગુજરાતની જીતથી મુંબઈ ઈન્ડિયન્સને નુકસાન થયું છે. આ જીત સાથે ગુજરાત હવે પ્લેઓફની નજીક પહોંચ્યું છે.
ગુજરાત જાયન્ટ્સ બીજા સ્થાને પહોંચ્યું
આ જીત સાથે ગુજરાત જાયન્ટ્સે મોટી છલાંગ લગાવી છે. ગુજરાત છેલ્લા સ્થાનેથી બીજા સ્થાને પહોંચી ગયું છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. આ સિઝનમાં પાંચેય મેચ જીતનાર RCB ટોપ પર યથાવત છે. દિલ્હી કેપિટલ્સ પણ મુંબઈ અને યુપીની બરાબર ચાર પોઈન્ટ ધરાવે છે. RCB હાલમાં એકમાત્ર ટીમ છે જેણે પ્લેઓફમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે.
મુંબઈની સ્થિતિ કેવી છે?
ગુજરાત જાયન્ટ્સ પાસે લીગ સ્ટેજમાં બે મેચ બાકી છે. હવે તેનો મુકાબલો 27 જાન્યુઆરીએ દિલ્હી કેપિટલ્સ અને 30 જાન્યુઆરીએ મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. જો તે બંને મેચ જીતી જશે, તો તે પ્લેઓફમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લેશે. મુંબઈ ઈન્ડિયન્સ પાસે પણ લીગ સ્ટેજમાં બે મેચ બાકી છે. તે પહેલા 26 જાન્યુઆરીના રોજ RCB સામે ટકરાશે ત્યારબાદ 30 જાન્યુઆરીએ ગુજરાત સામે ટક્કર થશે. બંને ટીમોએ ટોપ-3માં રહેવા માટે દરેક મેચ જીતવી પડશે.
યુપી અને દિલ્હીની સ્થિતિ ખરાબ
યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ પાસે હાલમાં 4-4 પોઈન્ટ છે. જોકે, યુપી દિલ્હી કરતાં એક મેચ વધુ રમી છે. દિલ્હી પાંચ મેચમાં બે જીત અને ચાર પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. જ્યારે યુપી છ મેચમાં બે જીત સાથે પાંચમા સ્થાને છે. દિલ્હીનો આગામી મુકાબલો 24 જાન્યુઆરીએ RCB સામે થશે. જો દિલ્હીની ટીમ આ મેચ જીતી જશે તો તે પોઈન્ટ્સ ટેબલમાં પોઈન્ટની દૃષ્ટિએ ગુજરાત જાયન્ટ્સની બરાબરી કરશે અને ત્રીજા સ્થાને પહોંચી જશે.

