Badminton / પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ, મહિલા બેડમિન્ટનમાં આ સિદ્ધિ હાંસલ કરનારી પ્રથમ ભારતીય ખેલાડી બની

ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ હાલમાં ઇન્ડોનેશિયા માસ્ટર્સમાં ભાગ લઈ રહી છે, તેણે પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં ડેનિશ ખેલાડી લાઇન હોજમાર્ક કજારફેલ્ડ્ટ સામે સીધા સેટમાં વિજય મેળવીને ક્વાર્ટર ફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. પીવી સિંધુ માટે ઇન્ડોનેશિયા માસ્ટર્સની શરૂઆત સંઘર્ષપૂર્ણ રહી હતી, તેણે પોતાની પહેલી મેચ જીતવા માટે સખત મહેનત કરવી પડી હતી. ત્યારે હવે પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં સિંધુની જીત ઐતિહાસિક રહી હતી, તેણે એક એવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે, જે અગાઉ કોઈ અન્ય ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડીએ સિંગલ્સમાં હાંસલ નહતો કર્યો.
પીવી સિંધુએ કારકિર્દીની 500 જીત પૂર્ણ કરી
ઇન્ડોનેશિયા માસ્ટર્સ સુપર 500 ટુર્નામેન્ટમાં પીવી સિંધુએ લાઇન હોજમાર્ક કજારફેલ્ડ્ટ સામે પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચ ફક્ત 43 મિનિટમાં જીતી લીધી હતી, તેમાં તેણે પ્રથમ સેટ 21-19થી જીત્યો, જ્યારે બીજો સેટ 21-18થી જીતીને ક્વાર્ટર ફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. આ મેચમાં પીવી સિંધુની જીત તેની કારકિર્દીની 500મી સિંગલ્સ જીત હતી, જેનાથી તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી બની ગઈ.
પીવી સિંધુ 500 કે તેથી વધુ સિંગલ્સ મેચ જીતનાર વિશ્વની છઠ્ઠી મહિલા ખેલાડી છે. પીવી સિંધુ હવે ઇન્ડોનેશિયા માસ્ટર્સના ક્વાર્ટર ફાઈનલમાં વિશ્વની ચોથા નંબરની ખેલાડી ચેન યુ ફેઇનો સામનો કરશે. સિંધુ અને ફેઇ અત્યાર સુધીમાં 13 વખત એકબીજાનો સામનો કરી ચૂક્યા છે, જેમાં ફેઇએ 7 મેચ જીતી છે જ્યારે સિંધુ 6 મેચ જીતવામાં સફળ રહી છે.
લક્ષ્ય સેને પણ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો
પીવી સિંધુ ઉપરાંત પુરૂષ કેટેગરીમાં ભાગ લેનાર લક્ષ્ય સેને પણ ઇન્ડોનેશિયા માસ્ટર્સ 500ના ક્વાર્ટર ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં લક્ષ્ય સેને હોંગકોંગના જેસન ગુનાવનને સીધા સેટમાં 21-10 અને 21-11થી હરાવ્યો હતો. હવે લક્ષ્ય સેન થાઈલેન્ડના પક્કાપોન તિરારાત્સકુલનો સામનો કરશે.

