'મારો સમય પૂરો, શરીર હાર માની રહ્યું છે', બેડમિન્ટન ક્વીન સાયના નેહવાલે જાહેર કરી નિવૃત્તિ

ભારતની ટોપ શટલર અને ભૂતપૂર્વ વર્લ્ડ નંબર 1 સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે કહ્યું કે તેનું શરીર હવે આ રમતની શારીરિક માંગણીઓને નથી સંભાળી શકતું. નેહવાલ છેલ્લા બે વર્ષથી રમતથી દૂર છે, તેની છેલ્લી સ્પર્ધાત્મક મેચ 2023માં હતી, જ્યારે તેણે સિંગાપોર ઓપનમાં ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે કોર્ટથી દૂર રહેવા છતાં નેહવાલે બેડમિન્ટનમાંથી ઔપચારિક રીતે નિવૃત્તિની જાહેરાત નહતી કરી.
બે વર્ષથી કોર્ટ પર પગ મૂક્યો નથી
એક પોડકાસ્ટમાં સાયનાએ કહ્યું, "મેં બે વર્ષ પહેલા રમવાનું બંધ કરી દીધું હતું. મને ખરેખર લાગ્યું કે મેં રમતમાં મારી પોતાની શરતો પર પ્રવેશ કર્યો છે અને તેને મારી પોતાની શરતો પર છોડી, તેથી તેની જાહેરાત કરવાની કોઈ જરૂર નથી. જો તમે હવે રમવા માટે સક્ષમ નથી, તો બસ. તે ઠીક છે.
'કાર્ટિલેજ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત'
ભૂતપૂર્વ વર્લ્ડ નંબર 1 ખેલાડીએ જણાવ્યું કે તેના ઘૂંટણમાં વધુ પડતા ઘસારાને કારણે તે લાંબા સમય સુધી હાઈ ઈન્ટેન્સિટી ટ્રેનિંગ નહતી કરી શકતી. તેણે કહ્યું, "કાર્ટિલેજ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત છે, સંધિવા છે. મારા માતા-પિતાએ આ જાણવાની જરૂર હતી, મારા કોચે જાણવાની જરૂર હતી અને મેં તેમને ફક્ત એટલું જ કહ્યું, હું હવે આ નહીં કરી શકું, તે મુશ્કેલ છે."
'ઔપચારિક નિવૃત્તિની જરૂર નથી લાગતી'
સાયના નેહવાલે કહ્યું કે તેને ઔપચારિક નિવૃત્તિ સ્ટેટમેન્ટની જરૂર ન લાગી, કારણ કે સ્પર્ધામાંથી દૂર થવાના તેના નિર્ણયથી તે સ્પષ્ટ થઈ ગયું હતું. તેણે કહ્યું, "મને મારી નિવૃત્તિની જાહેરાત કરવી એટલી મોટી વાત નહતી લાગતી. મને લાગ્યું કે મારો સમય પૂરો થઈ ગયો છે કારણ કે હું આટલી સખત મહેનત નથી કરી શકતી, મારા ઘૂંટણ પહેલા જે તણાવ અનુભવતા હતા તે સહન નથી કરી શકતા."
'ઘૂંટણ હાર માની રહ્યું છે'
તેણે આગળ કહ્યું, "વિશ્વમાં શ્રેષ્ઠ બનવા માટે તમારે 8થી 9 કલાક ટ્રેનિંગ લેવી પડે છે. હવે મારા ઘૂંટણ ફક્ત 1 કે 2 કલાકમાં હાર માની રહ્યા હતા. તેમાં સોજા આવી જતા હતા અને પછી જોર લગાવવું મુશ્કેલ બની જતું હતું. તેથી મેં વિચાર્યું, બસ હવે બહુ થયું. હું હવે વધુ જોર નથી લગાવી શકતી."
ઈજા મુશ્કેલી બની
2016ના રિયો ઓલિમ્પિકમાં ઘૂંટણની ગંભીર ઈજા પછી નેહવાલની કારકિર્દીને મોટો ઝટકો લાગ્યો, જેના કારણે તેની કારકિર્દીનો અંત આવવાનો ભય હતો. જોકે તેણે 2017માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ અને 2018માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતીને વાપસી કરી હતી, પરંતુ ઘૂંટણની સતત સમસ્યાઓએ તેને વારંવાર ધીમી પાડી. 2024માં તેણે ખુલાસો કર્યો કે તેને બંને ઘૂંટણમાં સંધિવા થઈ ગયો છે અને કાર્ટિલેજના ખરાબ થવાથી એલિટ લેવલ પર હાઈ ઈન્ટેન્સિટી ટ્રેનિંગ કરવી તેના માટે મુશ્કેલ બની રહી છે.

