'જ્યારે તમારી માતા હોસ્પિટલમાં દાખલ હતા', રવિચંદ્રન અશ્વિનની અચાનક નિવૃત્તિ બાદ પીએમ મોદીએ તેના માટે લખ્યો પત્ર
ટીમ ઈન્ડિયાના સ્પિનર અને શાનદાર ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનના નિવૃત્તિના નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું

ટીમ ઈન્ડિયાના સ્પિનર અને શાનદાર ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનના નિવૃત્તિના નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું છે. વિશ્વ ક્રિકેટના મહાન સ્પિનરોમાંથી એક ભારતીય દિગ્ગજે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25ની ત્રીજી મેચ બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. અશ્વિન નિવૃત્ત થતાની સાથે જ ભારતના ખેલાડીઓને ઘણું દુઃખ થયું છે. ફેન્સ પણ નિરાશ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અશ્વિનની નિવૃત્તિ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે પત્ર દ્વારા ભારતીય ખેલાડીને ભાવુક વિદાય આપી છે.
આ પણ વાંચો: રવિચંદ્રન અશ્વિનનો નિવૃત્તિનો નિર્ણય સાંભળીને ચોંકી ગયો હતો જાડેજા, કહ્યું- 'હું આખો દિવસ તેની સાથે હતો પરંતુ...'
પીએમ મોદીએ પોતાના પત્રમાં લખ્યું છે કે અશ્વિનની નિવૃત્તિ 'કેરમ બોલ' જેવી હતી. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતના સૌથી વધુ વિકેટ લેનારાઓમાંથી એક બનવાથી લઈને તેમના અંગત બલિદાન સુધી, પીએમ મોદીએ તમિલનાડુના ઓફ-સ્પિનરની રમત અને તેણે ટીમ ઈન્ડિયા માટે જે કંઈ કર્યું છે તેના માટે પ્રશંસા કરી છે.
પીએમ મોદીનો પત્ર
'હું આશા રાખું છું કે તમને આ પત્ર સારા સ્વાસ્થ્ય અને અપાર ઉત્સાહ સાથે પ્રાપ્ત થશે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી તમારી નિવૃત્તિની જાહેરાતે ભારત સહિત વિશ્વભરના ફેન્સને આશ્ચર્યચકિત કર્યા છે. જ્યારે બધા of-બ્રેક્સની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન તમે કેરમ બોલ ફેંક્યો હતો. જેના કારણે સૌને આશ્ચર્ય થયું હતું. દરેક વ્યક્તિ જાણે છે કે આ નિર્ણય લેવો તમારા માટે આસાન ન હતો.'
'તમારી સખત મહેનત અને દરેક પરિસ્થિતિમાં ટીમને ટોચ પર રાખવા માટે મારા હૃદયપૂર્વકના અભિનંદન. ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી તમારી નિવૃત્તિ પછી, લોકો હંમેશા 99 નંબરની જર્સીને મિસ કરશે. ક્રિકેટ પ્રેમીઓ એ ક્ષણ હંમેશા યાદ રાખશે જ્યારે તમે ક્રિકેટના મેદાન પર પગ મૂક્યો હતો. હંમેશા એવી અનુભૂતિ થશે કે તમે વિરોધી ટીમ સામે કેવી રીતે રણનીતિ બનાવતા હતા.
'ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તમે લીધેલી 765 વિકેટમાંથી દરેક વિકેટ ખાસ હતી. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 'પ્લેયર ઓફ ધ સિરીઝ' એવોર્ડ મેળવવો એ દર્શાવે છે કે તમે વર્ષોથી ટીમની સફળતા પર કેવી અસર કરી હતી.'
'તમે ઘણી વખત એક જ મેચમાં સદી ફટકારીને અને પાંચ વિકેટ લઈને તમારી ઓલરાઉન્ડ ક્ષમતા દર્શાવી છે. બેટથી પણ તમે આપણા દેશને ઘણી અવિસ્મરણીય યાદો આપી છે. જેમાં 2021માં સિડનીમાં રમાયેલી હિંમતભરી મેચ સેવિંગ ઈનિંગ્સનો પણ સમાવેશ થાય છે.
'પ્રતિકૂળ સંજોગોમાં પણ રમત પ્રત્યેની તમારી પ્રામાણિકતા અને પ્રતિબદ્ધતા અમને બધાને યાદ છે જ્યારે તમારી માતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, છતાં તમે મેદાનમાં પાછા ફર્યા હતા. જ્યારે ચેન્નાઈમાં પૂરની સ્થિતિ હતી અને તમે તમારા પરિવારનો સંપર્ક નહતા કરી શક્યા. આમ છતાં, તમે જે રીતે સાઉથ આફ્રિકા સામે રમવાનું ચાલુ રાખ્યું તે રમત પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.'
રવિચંદ્રન અશ્વિનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી
રવિચંદ્રન અશ્વિન 2010થી 2024 વચ્ચે દેશ માટે કુલ 287 મેચ રમ્યો હતો. આ દરમિયાન તેને 379 ઈનિંગ્સમાં 765 સફળતા મળી હતી. દેશ માટે તે ટેસ્ટ ક્રિકેટમાં 537, ODIમાં 156 અને T20Iમાં 72 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ સિવાય બેટિંગ દરમિયાન તેણે 233 ઈનિંગ્સમાં 4394 રન બનાવ્યા હતા.








