રવિચંદ્રન અશ્વિનનો નિવૃત્તિનો નિર્ણય સાંભળીને ચોંકી ગયો હતો જાડેજા, કહ્યું- 'હું આખો દિવસ તેની સાથે હતો પરંતુ...'

જ્યારે રવિચંદ્રન અશ્વિને ગાબા ટેસ્ટ મેચ સમાપ્ત થયા પછી ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, ત્યારે ફેન્સ સહિત ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ તેના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. હવે તેની સાથે લાંબા સમય સુધી રમી રહેલા સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પહેલી પ્રતિક્રિયા પણ સામે આવી છે જેમાં તેણે ખુલાસો કર્યો છે કે તેને પણ અશ્વિનના નિવૃત્તિના નિર્ણય વિશે બિલકુલ જાણ નહોતી અને તેને 5 મિનિટ પહેલા આ માહિતી મળી હતી.
આ પણ વાંચો: VIDEO / રવિન્દ્ર જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં થઈ બબાલ, ઓસ્ટ્રેલિયન પત્રકારોએ કર્યું ખરાબ વર્તન
'હું આખો દિવસ તેની સાથે હતો પરંતુ મને જરા પણ ખ્યાલ નહતો'
રવિન્દ્ર જાડેજાએ 21 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે મેલબર્નમાં રમાનારી ટેસ્ટ સિરીઝની ચોથી મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, "હું આખો દિવસ તેની સાથે હતો પરંતુ નિવૃત્તિના સમાચાર છેલ્લી ક્ષણે મળ્યા તે પણ પ્રેસ કોન્ફરન્સની માત્ર 5 મિનિટ પહેલા, આ મારા માટે ખૂબ જ ચોકાવનારી બાબત હતી. આપણે બધા જાણીએ છીએ કે અશ્વિનનું મગજ કેવી રીતે કામ કરે છે. તેણે મેદાન પર મારા માટે માર્ગદર્શક તરીકે કામ કર્યું છે. અમે ઘણા વર્ષો સાથે રમ્યા છીએ. અમે મેદાન પર સતત એકબીજાને મહત્ત્વપૂર્ણ સલાહ આપતા હતા કે પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કેવી રીતે બોલિંગ કરવી અને બેટ્સમેન શું કરવાનું વિચારી રહ્યો છે."
હું તેને ખૂબ મિસ કરીશ
જાડેજાએ પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે, "હું મેદાન પર અશ્વિનને ખૂબ જ મિસ કરીશ. અમે આશા રાખી શકીએ છીએ કે અમને તેનાથી વધુ સારો ઓલરાઉન્ડર બેટ્સમેન અને બોલર મળશે. એવું નથી કે કોઈ ખેલાડી તેનું સ્થાન નહીં લઈ શકે, પરંતુ અમારે તેના માટે પ્રયત્નો કરવા પડશે. ભારતમાં તમને ચોક્કસપણે મહાન પ્રતિભા જોવા મળશે અને એવું નથી કે કોઈ કોઈનું સ્થાન નથી લઈ શકતું. હવે અમારે આગળ વધવું પડશે અને એવા યુવા ખેલાડીને તક આપવી પડશે જે તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી શકે."

