Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત / ઇયર એન્ડર ૨૦૨૪ : Players have raised India's status in these sports

YEAR ENDER 2024 / એથ્લેટિક્સથી લઈને ચેસ સુધી, આ રમતોમાં ખેલાડીઓએ વધાર્યું ભારતનું ગૌરવ

Timeછેલ્લું અપડેટ : 16 Dec 2024
લાઇવ ટીવીGoogle News
YEAR ENDER 2024 / એથ્લેટિક્સથી લઈને ચેસ સુધી, આ રમતોમાં ખેલાડીઓએ વધાર્યું ભારતનું ગૌરવ

વર્ષ 2024 હવે લગભગ તેના અંતિમ મુકામ પર પહોંચી ગયું છે. રમતગમતની દૃષ્ટિએ આ વર્ષ ભારત માટે ખૂબ જ ખાસ રહ્યું છે. ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં મેડલ જીતવાની સાથે ચેસનો ખિતાબ પણ જીત્યો હતો. અમે તમને 2024માં રમતગમત સાથે જોડાયેલી એવી જીત વિશે જણાવીશું, જે ભારત માટે કોઈ ઉપલબ્ધિથી ઓછી નથી. એક તરફ મનુ ભાકરે બે મેડલ જીતીને ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું, તો બીજી તરફ પેરાલિમ્પિક્સમાં અવની લેખારાની સિદ્ધિ પણ યાદ રાખવા જેવી હતી.

App Store

આ પણ વાંચો: YEAR ENDER 2024: ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલ એથ્લેટ્સમાં નંબર-1 ટ્રાન્સજેન્ડર બોક્સર, હાર્દિકે કોહલીને છોડ્યો પાછળ

જેવલિન થ્રો

ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો એકમાત્ર સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે બીજા થ્રોમાં સિઝનનો સર્વશ્રેષ્ઠ 89.45નો સ્કોર કર્યો. નીરજે સતત બીજા ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો. તે ઓલિમ્પિકના જેવલિન થ્રોમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો હતો. જોકે, જેવલિન થ્રોઅરની યાદીમાં નીરજ ચોપરા એકલો નથી. કારણ કે સુમિત અંતિલ પેરિસ પેરાલિમ્પિકમાં બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા તેણે ટોક્યોમાં પણ આ જ સિદ્ધિ મેળવી હતી. આ સિવાય નવદીપ સિંહે પણ F41 ઈવેન્ટમાં 47.32 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

શૂટિંગ

આ વર્ષે પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024માં ભારતના એથ્લેટ્સે ઘણા મેડલ જીત્યા હતા. ઓલિમ્પિકની એક જ એડિશનમાં બે મેડલ જીતીને ઈતિહાસ રચવાનો શ્રેય મનુ ભાકરને જાય છે. મનુ ભાકરે 22 વર્ષની ઉંમરે વિમેન્સ 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનુ ભાકરે પાર્ટનર સરબજોત સિંહ સાથે મળીને મિક્સ્ડ 25 મીટર એર પિસ્તોલ ગેમમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનુ ભાકરે આ ઐતિહાસિક જીત સાથે દેશને ગૌરવ અપાવ્યું.

આ સિવાય સ્વપ્નિલ કુસાલે પણ શૂટિંગમાં ભારત માટે બ્રોન્ઝ જીત્યો હતો. શૂટિંગમાં ઉપલબ્ધિઓ અહીં સમાપ્ત થતી નથી. કારણ કે ભારતીય રાઈફલ શૂટર અવની લેખારાએ પણ પેરાલિમ્પિક ગેમ્સ 2024માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. અવનીએ 10 મીટર એર પિસ્તોલમાં બે મેડલ જીત્યા. અવનીએ બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો. અવની એક જ ઈવેન્ટમાં બે મેડલ જીતનારી પ્રથમ પેરાલિમ્પિક મહિલા એથ્લેટ છે.

રેસલિંગ

અમન સેહરાવતે મેન્સ 57 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે 21 વર્ષની ઉંમરે ભારતનો સૌથી યુવા ઓલિમ્પિક મેડલ વિજેતા પણ બન્યો હતો. જોકે આ રમતમાં જ ભારતને મોટો ઝટકો પણ લાગ્યો હતો. વિનેશ ફોગાટે વિમેન્સ 50 કિગ્રા સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેચ માટે ક્વોલિફાય કર્યું હતું, પરંતુ મેડલ મેચની સવારે, નિર્ધારિત વજન કરતા તેનું વજન વધારે નીકળતા તેને ડિસ્ક્વોલીફાય કરવામાં આવી હતી.

હોકી

ભારતીય ટીમ પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ ડીફેન્ડ કરવામાં સફળ રહી હતી. ભારતે બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને 2-1થી હરાવ્યું હતું. આ પહેલા ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 1980માં મોસ્કો ઓલિમ્પિક બાદ ભારતે આ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો નથી. ઓલિમ્પિકમાં ભારતને જે રમતમાં સૌથી વધુ સફળતા મળી છે તે હોકી છે. આ સિવાય ભારતીય હોકી ટીમે આ જ વર્ષે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં ચીનને હરાવીને પાંચમી વખત ટાઈટલ જીત્યું હતું.

ચેસ

આ વર્ષે, ભારતીય ચેસ ખેલાડીઓએ 45મા ઈન્ટરનેશનલ ચેસ ફેડરેશન (FIDE) ચેસ ઓલિમ્પિયાડમાં પુરૂષ અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ટીમ ચેમ્પિયનશિપ જીતવા ઉપરાંત, ભારતે ટુર્નામેન્ટમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ પણ જીત્યા હતા. પુરૂષોની ટીમમાં ગુકેશ ડોમ્મારાજુ (ગુકેશ ડી), રમેશબાબુ પ્રજ્ઞાનંદ, વિદિત ગુજરાતી, પેંટાલા હરિકૃષ્ણા અને અર્જુન એરિગેસીનો સમાવેશ થાય છે, જ્યારે મહિલા ટીમમાં હરિકા દ્રોણાવલ્લી, વૈશાલી રમેશબાબુ, દિવ્યા દેશમુખ, વંતિકા અગ્રવાલ અને તાનિયા સચદેવનો સમાવેશ થાય છે. આ સિવાય સિંગાપોરમાં વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ જીતીને ગુકેશ ડી સૌથી નાની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે.