10 છગ્ગા અને 20 ચોગ્ગા સાથે બનાવ્યા 239 રન... નિવૃત્તિમાંથી પરત ફરેલા ખેલાડીએ ODIમાં કરી એમએસ ધોનીની બરાબરી

કહેવાય છે કે ખેલાડી રમત છોડી દે છે પણ રમવાનું ક્યારેય નથી ભૂલતો. આનું એક ઉત્તમ ઉદાહરણ સાઉથ આફ્રિકાનો ક્વિન્ટન ડી કોક છે, જેપાકિસ્તાન સામેની ODI સિરીઝમાં નિવૃત્તિ લીધા પછી બે વર્ષ બાદ પાછો ફર્યો હતો. પરંતુ તેણે એવું પ્રદર્શન કર્યું કે જાણે તે ક્યારેય ODI ફોર્મેટથી દૂર રહ્યો જ ન હોય. નિવૃત્તિ પછી પરત ફરેલા સાઉથ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેને પાકિસ્તાન પ્રવાસ પર રમાયેલી ODI શ્રેણીમાં 239 રન બનાવ્યા. આ સાથે તેણે ODIમાં ધોનીની બરાબરી પણ કરી હતી.
ડી કોકે 30 છગ્ગા-ચોગ્ગા સાથે 239 રન બનાવ્યા
સાઉથ આફ્રિકા પાકિસ્તાન સામે ત્રણ મેચની ODI સિરીઝ 1-2થી હારી ગયું. જ્યારે પરિણામ ટીમના પક્ષમાં ન હતું, ત્યારે ક્વિન્ટન ડી કોક સિરીઝના હીરો તરીકે ઉભરી આવ્યો. તેણે ત્રણ ODI માં 239 રન બનાવ્યા. ક્વિન્ટન ડી કોકે આ રન 119.50ની એવરેજથી બનાવ્યા, જેમાં બે અડધી સદી અને એક સદીનો સમાવેશ થાય છે. ડી કોકે પાકિસ્તાન સામેની ODI સિરીઝમાં 20 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા.
ડી કોકે ધોનીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી
નિવૃત્તિમાંથી પાછા ફર્યા પછી આ તેની પહેલી ODI સિરીઝ હતી અને તેણે વિકેટકીપર-બેટ્સમેન તરીકે મજબૂત પ્રદર્શન કર્યું હતું. આ માટે ડી કોકને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' જાહેર કરવામાં આવ્યો, તેણે વિકેટકીપર-બેટ્સમેન તરીકે ODIમાં સૌથી વધુ 'પ્લેયર ઓફ ધ સિરીઝ' એવોર્ડ જીતવાના ધોનીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે.
ધોની અને ડી કોકે આ સિદ્ધિ 7 વખત હાંસલ કરી
એમએસ ધોનીએ વિકેટકીપર-બેટ્સમેન તરીકે ODI ક્રિકેટમાં સૌથી વધુ 7 'પ્લેયર ઓફ ધ સિરીઝ' એવોર્ડ જીત્યા હતા. તેણે પોતાની કારકિર્દીમાં રમાયેલી 350 મેચોમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. હવે ક્વિન્ટન ડી કોકે ધોનીના રેકોર્ડની બરાબરી કરી છે. તેણે પાકિસ્તાન સામે પોતાની ODI કારકિર્દીમાં તેનો સાતમો 'પ્લેયર ઓફ ધ સિરીઝ' એવોર્ડ જીત્યો. ડી કોકે 159 મેચોમાં સાત 'પ્લેયર ઓફ ધ સિરીઝ' એવોર્ડ જીત્યા છે.

