ગૌતમ ગંભીરના નિર્ણયનો લોકો ઉડાવતા હતા મજાક, ફાઇનલમાં તેણે જ પલટી નાખી મેચ
IPL 2024ની ફાઈનલમાં કોલકાતા નાઈટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકે

IPL 2024ની ફાઈનલમાં કોલકાતા નાઈટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવીને ત્રીજી વખત ટૂર્નામેન્ટનું ટાઈટલ પોતાના નામે કર્યું છે. કોલકાતા નાઈટ રાઈડર્સ વર્ષ 2012 અને 2014માં IPL ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. પરંતુ ત્યારબાદ આ ટીમ ટ્રોફી જીતવા માટે સંઘર્ષ કરતી રહી. જોકે, કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024ની શરૂઆત પહેલા કેટલાક મોટા નિર્ણયો લીધા હતા અને ફ્રેન્ચાઈઝીએ ગૌતમ ગંભીરને ટીમના મેન્ટર તરીકે પસંદ કર્યા હતા. ગૌતમ ગંભીરનું કોલકાતા સાથે જોડાવું રંગ લાવ્યું અને KKR ત્રીજી વખત ચેમ્પિયન બનવામાં સફળ રહી.
KKRએ મિચેલ સ્ટાર્કને 24.75 કરોડમાં ખરીદ્યો
કોલકાતા ત્રીજી વખત ચેમ્પિયન બન્યા બાદ ગૌતમ ગંભીરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો IPL ઓક્શનના સમયનો છે, જ્યારે મિચેલ સ્ટાર્કને 24.75 કરોડમાં ખરીદીને ગૌતમ ગંભીર ખૂબ જ ખુશ અને હસી રહ્યો હતો. આ દરમિયાન કોલકાતા ફ્રેન્ચાઈઝીના સીઈઓ ટેબલ પર હાજર તેમના સાથીદારો સાથે હાથ મિલાવતા નજર આવી રહ્યા છે. જ્યારે મિચેલ સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો ત્યારે તમામ લોકોએ KKRના આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. બધાને લાગતું હતું કે સ્ટાર્ક ફેલ જશે. પરંતુ કદાચ ગૌતમ ગંભીરને ખબર હતી કે, તે જે નિર્ણય લીધો છે તે યોગ્ય છે.
સ્ટાર્કે પહેલી નવ મેચમાં માત્ર સાત વિકેટ ઝડપી
IPLમાં આઠ વર્ષ બાદ વાપસી કરનાર સ્ટાર્કે પ્રથમ નવ મેચમાં માત્ર સાત વિકેટ ઝડપી હતી. તેણે વાનખેડે મેદાન પર મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં પોતાની પ્રતિભાની ઝલક બતાવી અને ત્યારબાદ પ્લેઓફ અને ફાઈનલમાં પોતાની બોલિંગ દ્વારા ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. મિચેલ સ્ટાર્કે ફાઈનલમાં આ IPLમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા અભિષેક શર્માને જે બોલથી આઉટ કર્યો હતો તેને બોલ ઓફ ધ ટૂર્નામેન્ટ કહેવામાં આવી રહ્યો છે. મિચેલ સ્ટાર્કે પ્રથમ ક્વોલિફાયરમાં અભિષેકને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ ઉપરાંત મિચેલ સ્ટાર્કે રાહુલ ત્રિપાઠીની વિકેટ લીધી હતી. જેમ જેમ IPL પોતાના લાસ્ટ સ્ટેજમાં ગઈ મિચેલ સ્ટાર્ક તેના ફોર્મમાં આવતો ગયો.
મિચેલ સ્ટાર્કે ફાઈનલમાં ત્રણ ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેણે માત્ર 4.70ની ઈકોનોમીથી રન આપ્યા હતા. મિચેલ સ્ટાર્ક પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. આ ઉપરાંત સ્ટાર્કે પ્રથમ ક્વોલિફાયરમાં ચાર ઓવરમાં 34 રન આપીને 3 વિકેટ ઝડપી હતી અને પ્રથમ ક્વોલિફાયરમાં પણ તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. લીગ સ્ટેજમાં ટોપ પર રહેલી કોલકાતા માટે છેલ્લી બે મેચોમાં સ્ટાર્ક હોરી રહ્યો હતો.






