Asia Cup ફાઈનલ પહેલા પાકિસ્તાનનો વધુ એક ડ્રામા... PCB ચીફ મોહસીન નકવી ચૂકવશે હારિસ રઉફને ફટકારેલો દંડ

એશિયા કપ 2025માં, પાકિસ્તાની ક્રિકેટ ટીમ રમત કરતાં વધુ અન્ય કારણોથી હેડલાઈન્સમાં છે. ટીમ માંડ માંડ ફાઈનલમાં પહોંચી છે. હવે તે 28 સપ્ટેમ્બર, રવિવારના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટાઈટલ મેચમાં ભારતનો સામનો કરશે. ભારતે વર્તમાન ટુર્નામેન્ટમાં બંને મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. હવે, તે ફાઈનલમાં પણ આવું જ કરવા માંગશે.
તકનીકી રીતે, ICC દ્વારા લાદવામાં આવેલ દંડ ખેલાડીની મેચ ફીમાંથી કાપવામાં આવે છે. આનો અર્થ એ છે કે દંડની રકમ સીધી ખેલાડીની મેચ ફીમાંથી કાપવામાં આવે છે. કોઈ અન્ય વ્યક્તિ પોતાના ખિસ્સામાંથી દંડ ભરે તો પણ કોઈ ફરક નથી પડતો. ભલે મોહસીન નકવી વ્યક્તિગત રીતે હારિસ રઉફનો દંડ ભરવા માંગે, ICC રેકોર્ડ તો હારિસ રઉફની મેચ ફી કાપવામાં આવી હોવાનું જ દર્શાવવામાં આવશે.
હારિસ રઉફને આટલો દંડ ફટકારવામાં આવ્યો હતો
પાકિસ્તાની ફાસ્ટ બોલર હારિસ રઉફને અનુશાસનહીન વર્તન બદલ ICC દ્વારા તેની મેચ ફીના 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. ભારત સામેની સુપર-4 મેચ દરમિયાન હારિસ રઉફે આપતિજનકક ઈશારા કર્યા હતા અને ભારતીય ખેલાડીઓ સાથે ઝઘડો પણ થયો હતો.
આ જ મેચમાં, પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન સાહિબજાદા ફરહાને અડધી સદી ફટકાર્યા બાદ 'ગન સેલિબ્રેશન' કર્યું હરું, જેના માટે તેને ICC દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ICCમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં હારિસ રઉફ અને સાહિબજાદા ફરહાનના વર્તનને અયોગ્ય ગણાવ્યું હતું.
કેપ્ટન સૂર્યકુમાર યાદવ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન સામે ગ્રુપ-સ્ટેજની જીત ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત કરી હતી. PCBએ આ નિવેદનને રાજકીય રીતે પ્રેરિત માન્યું. ICCએ કેપ્ટન સૂર્યાને ICCઆચારસંહિતાના ઉલ્લંઘનનો દોષી ઠેરવ્યો અને તેની મેચ ફીના 30 ટકા દંડ ફટકાર્યો.

