IND vs PAK / 8 વર્ષ પહેલાની હારનો બદલો લેવા માંગશે સૂર્યકુમાર યાદવ, મેચને લઈને આજે પણ દુઃખી છે ભારતીય ફેન્સ

ભારત અને પાકિસ્તાન એશિયા કપના 41 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ફાઈનલમાં ટકરાશે. ટીમ ઈન્ડિયા 2025 એશિયા કપમાં એક પણ મેચ નથી હારી, આ સિવાય ટીમ ઈન્ડિયાએઆ ટુર્નામેન્ટમાં બે વાર પાકિસ્તાનને હરાવ્યું છે. દરમિયાન, ટીમ ઈન્ડિયા અને તેના ફેન્સ 8 વર્ષ પહેલા એક મોટી ટુર્નામેન્ટની ફાઈનલમાં પાકિસ્તાન સામે મળેલી હારથી હજુ પણ દુઃખી છે. સૂર્યકુમાર યાદવ હવે આ હારનો બદલો લેવા માંગશે.
2017ની ફાઈનલમાં હાર
આઠ વર્ષ પહેલા, ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે 180 રનથી હારી ગઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ અત્યંત નબળી રહી હતી. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 338 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી બેટિંગ કરતા, ફખર ઝમાને 106 બોલમાં 114 રનની ઈનિંગ રમી હતી. જ્યારે અઝહર અલીએ 59 અને મોહમ્મદ હાફિઝે અણનમ 57 રન બનાવ્યા હતા.
આ પછી, ટીમ ઈન્ડિયાની ઈનિંગ 30.3 ઓવરમાં ફક્ત 158 રનમાં સમેટાઈ ગયો. રોહિત શર્મા કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયો હતો, જ્યારે વિરાટ કોહલી ફક્ત 5 રન બનાવી શક્યો હતો. હાર્દિક પંડ્યાએ આ મેચમાં ચોક્કસપણે શાનદાર બેટિંગ કરી હતી, પરંતુ તે ટીમને જીત અપાવવામાં અસમર્થ રહ્યો હતો. હાર્દિકે ફાઈનલમાં 43 બોલમાં ૭૬ રનની ઈનિંગ રમી હતી, જેમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થતો હતો. પાકિસ્તાન તરફથી બોલિંગ કરતી વખતે, મોહમ્મદ આમિર અને હસન અલીએ 3-3 વિકેટ લીધી હતી.
હવે સૂર્યકુમાર યાદવ બદલો લેશે!
સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ આ એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાએ 6 મેચ રમી છે અને બધી જીતી છે. વધુમાં, એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન પહેલાથી જ બે વાર આમને-સામને થઈ ચૂક્યા છે, જેમાં પાકિસ્તાન બંને વખત હારી ગયું છે. હવે, ત્રીજી વખત પાકિસ્તાનને હરાવીને, ટીમ ઈન્ડિયા એશિયા કપ 2025નો ખિતાબ જીતીને ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની તેમની હારનો બદલો લેવાનું લક્ષ્ય રાખશે.

