પેરિસ પેરાલિમ્પિકમાં આજે ભારતનું શેડ્યૂલ, આ એથ્લેટ પાસેથી છે દેશને 30મો મેડલ જીતાડવાની અપેક્ષા
ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં 29 મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આજે 8મી સપ્ટેમ્બરે ભારત પાસે પોતાના મેડલની સંખ્યા વધ

ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં 29 મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આજે 8મી સપ્ટેમ્બરે ભારત પાસે પોતાના મેડલની સંખ્યા વધારવાની તક હશે. પેરિસમાં શનિવારે ભારતે એથ્લેટિક્સમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ભારત માટે, નવદીપે જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો જે બાદમાં ગોલ્ડમાં બદલવામાં આવ્યો હતો, કારણ કે આ ઈવેન્ટમાં ગોલ્ડ જીતનાર એથ્લેટને ડિસક્વોલીફાય કરવામાં આવ્યો હતો. જ્યારે સિમરને વિમેન્સ 200 મીટર (T12) ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના મેડલની સંખ્યા 29 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં ભારતે 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે 19 મેડલ જીત્યા હતા, જેનો રેકોર્ડ આ વખતે ભારતીય એથ્લેટે તોડ્યો છે. ભારતે પેરાલિમ્પિકમાં 29 મેડલ જીતીને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. પેરિસ પેરાલિમ્પિકનો આજે છેલ્લો દિવસ છે અને દરેકની નજર ભારતની પૂજા ઓઝા પર રહેશે. જે કેનો સ્પ્રિન્ટમાં વિમેન્સ KL1 200 મીટરની સેમીફાઈનલમાં ભાગ લેશે. તે દેશ માટે વધુ એક મેડલ જીતીને મેડલની સંખ્યા 30 સુધી લઈ જઈ શકે છે. જો પૂજા ફાઈનલમાં સ્થાન મેળવવામાં સફળ થાય છે, તો તે ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યા પછી સ્પર્ધા કરશે.
કેનો સ્પ્રિન્ટ
- વિમેન્સ KL1 200m (સેમીફાઈનલ) - પૂજા ઓઝા - બપોરે 1:30 કલાકે.
- વિમેન્સ KL1 200m (મેડલ ઈવેન્ટ) - પૂજા ઓઝા - બપોરે 3:00 કલાકે (ક્વોલિફિકેશનના આધારે).






