41 વર્ષ પહેલા આજના જ દિવસે ભારત જીત્યું હતું પહેલું ICC ટાઈટલ, કપિલ દેવની કેપ્ટનશિપમાં ચેમ્પિયન બની હતી ટીમ
આજનો દિવસ ભારતીય ક્રિકેટ ટીમના ફેન્સ માટે ખૂબ જ ખાસ છે. કારણ કે આજના જ દિવસે ૪૧ વર્ષ પહેલા એટલે કે 25 જૂન

આજનો દિવસ ભારતીય ક્રિકેટ ટીમના ફેન્સ માટે ખૂબ જ ખાસ છે. કારણ કે આજના જ દિવસે ૪૧ વર્ષ પહેલા એટલે કે 25 જૂન 1983ના રોજ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની હતી. કપિલ દેવની કેપ્ટનશિપ હેઠળની ટીમે સતત બે વખતના ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું.
ભારતીય ટીમ જ્યારે વર્લ્ડ કપ રમવા ઈંગ્લેન્ડ પહોંચી હતી ત્યારે કોઈએ વિચાર્યું નહતું કે અ ટીમ ઈતિહાસ રચશે. જો કે કેપ્ટન કપિલ દેવને પૂરો વિશ્વાસ હતો કે ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતી શકે છે. આ ખાસ દિવસે BCCI એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ખાસ પોસ્ટ કરી છે. જેમાં વર્લ્ડ કપની ટ્રોફી સાથે ભારતીય કેપ્ટન કપિલ દેવની તસ્વીર છે અને કેપ્શનમાં લખવામાં આવ્યું છે, 'ભારતીય ક્રિકેટ માટે ઐતિહાસિક જીત અને સીમાચિહ્નરૂપ ક્ષણ, કપિલ દેવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને પ્રથમ વખત ચેમ્પિયનનો તાજ પહેરાવવામાં આવ્યો હતો કારણ કે તેણે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.'
ફાઈનલમાં ભારતીય ટીમ માત્ર 183 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી
સેમી ફાઇનલમાં ભારતીય ટીમે વર્લ્ડ કપના યજમાન ઈંગ્લેન્ડને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે ફાઈનલમાં ભારતીય બેટ્સમેનોની તાકાત દેખાઈ ન હતી. વેસ્ટ ઈન્ડિઝના બોલરો સામે ટીમ ઈન્ડિયા માત્ર 183 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ફાઈનલ મેચમાં ભારત તરફથી શ્રીકાંતે સૌથી વધુ 38 રન બનાવ્યા હતા. આ સિવાય મોહિન્દર અમરનાથે 26, સંદીપ પાટીલે 27 અને કપિલ દેવે 15 રન બનાવ્યા હતા. જ્યારે ટીમ ઈન્ડિયા 183 રન પર આઉટ થઈ ગઈ ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે ટીમ આટલા રન ડીફેન્ડ કરી શકશે.
મદન લાલ, મોહિન્દર અમરનાથ અને બલવિંદર સંધુએ શાનદાર બોલિંગ કરીને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું અને આખી દુનિયા ચોંકી ગઈ હતી. મદન લાલ અને મોહિન્દર અમરનાથે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. પ્રથમ વિકેટ લેનાર સંધુને બે સફળતા મળી હતી. આ સિવાય કપિલ દેવ અને રોજર બિન્નીને એક-એક વિકેટ મળી હતી. આ દરમિયાન મદન લાલે સૌથી મહત્ત્વની વિકેટ લીધી હતી. તેણે વિવ રિચર્ડ્સને આઉટ કરીને ટીમ ઈન્ડિયાને મેચમાં પરત લાવવામાં મદદ કરી હતી. ભારતના 183 રનના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 140 રન પર જ સિમિત રહી હતી. આ સાથે ભારતીય ટીમ પ્રથમ વખત ચેમ્પિયન બની હતી.








