નોવાક જોકોવિચે તોડ્યો રોજર ફેડરરનો રેકોર્ડ, ટેનિસ કોર્ટ પર પગ મૂકતાની સાથે જ કર્યું આ કારનામું
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા વર્ષ 2025ના પહેલા ગ્રાન્ડ સ્લેમમાં 15 જાન્યુઆરીએ મેચ રમવા આવેલા ટેનિસ ખેલાડી નોવાક જોક

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા વર્ષ 2025ના પહેલા ગ્રાન્ડ સ્લેમમાં 15 જાન્યુઆરીએ મેચ રમવા આવેલા ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે કોર્ટ પર પગ મૂક્યો કે તરત જ તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. જોકોવિચ હવે ટેનિસ ગ્રાન્ડ સ્લેમના ઈતિહાસમાં મેન્સ અને વિમેન્સબંનેમાં, સૌથી વધુ સિંગલ્સ મેચ રમનાર ખેલાડી બની ગયો છે, તેણે રોજર ફેડરરનો રેકોર્ડ તોડ્યો છે. ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં જોકોવિચનો સામનો 21 વર્ષીય ક્વોલિફાયર જેમે ફારિયા સામે થયો અને તેણે આ મેચ જીતીને ત્રીજા રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.
આ પણ વાંચો: મનુ ભાકરના બંને ઓલિમ્પિક મેડલ પાછા લેવામાં આવશે, આવું છે કારણ
જોકોવિચે ગ્રાન્ડ સ્લેમ કારકિર્દીની 430મી મેચ રમી
નોવાક જોકોવિચે અત્યાર સુધીમાં 24 વખત ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું છે. જ્યારે તે ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં પોતાનો મુકાબલો રમવા માટે કોર્ટમાં પ્રવેશ્યો, ત્યારે તે તેની સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ કારકિર્દીની 430મી મેચ હતી. આમ, જોકોવિચે રોજર ફેડરરના 429 મેચના રેકોર્ડને તોડી નાખ્યો. જોકોવિચે બીજો રાઉન્ડ જીતવા માટે થોડી વધુ મહેનત કરવી પડી, જે ચાર સેટ સુધી ચાલ્યો. જોકોવિચે મેચ 6-1, 6-7(4), 6-3 અને 6-2થી જીતીને ત્રીજા રાઉન્ડમાં પોતાનું સ્થાન મેળવ્યું. હવે ત્રીજા રાઉન્ડમાં, જોકોવિચનો સામનો ચેક રિપબ્લિકના ટોમસ માચેક સામે થશે.
ઓસાકાએ મહિલા સિંગલ્સમાં ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો
જાપાનની સ્ટાર ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા છેલ્લા ત્રણ વર્ષમાં પહેલીવાર કોઈ ગ્રાન્ડ સ્લેમના ત્રીજા રાઉન્ડમાં પહોંચવામાં સફળ રહી છે. ઓસાકાએ 2022માં ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યું. વિમેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં નાઓમી ઓસાકાનો સામનો યુએસ ઓપન સેમિફાઈનલ ખેલાડી કેરોલિના મુચોવા સામે થયો હતો જેમાં તેણે પહેલો સેટ 1-6થી ગુમાવ્યો હતો, ત્યારબાદ ઓસાકાએ શાનદાર વાપસી કરી અને આગામી 2 સેટ 6-1 અને 6-3થી જીતીને ત્રીજા રાઉન્ડમાં તેનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.






