IND vs NZ / ત્રીજી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, બંને ટીમની પ્લેઈંગ ઈલેવનમાં થયો ફેરફાર
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ બે મેચ જીતીને કિવી ટીમે સિરીઝમાં 2-0ની

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ બે મેચ જીતીને કિવી ટીમે સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે આ ટેસ્ટ સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં કિવી ટીમના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ માટે ન્યુઝીલેન્ડ અને ભારતીય બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં કિવી ટીમ માટે પુણે ટેસ્ટમાં મેચ વિનિંગ પ્રદર્શન કરનાર લેફ્ટ આર્મ સ્પિનર મિચેલ સેન્ટનરને બહાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: IND vs NZ / વાનખેડેમાં વિરાટ કોહલી તોડશે રાહુલ દ્રવિડનો રેકોર્ડ! અશ્વિન પાસે પણ છે ઈતિહાસ રચવાની તક
જસપ્રિત બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજ
મુંબઈ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમના પ્લેઈંગ ઈલેવનમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ સિરીઝની પ્રથમ 2 ટેસ્ટ મેચ રમનાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહના સ્થાને મોહમ્મદ સિરાજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ સમયે બુમરાહને આ ટેસ્ટ મેચમાં ન રમવાના કારણ વિશે જણાવ્યું હતું કે તેની તબિયત ઠીક નથી અને તેના સ્થાને સિરાજને ટીમમાં સામેલ કર્યો છે.
BCCI દ્વારા બુમરાહ વિશે માહિતી આપવામાં આવી હતી કે, તે હજી સંપૂર્ણ રીતે સાજો થઈ શક્યો નથી, જેના કારણે બુમરાહ ત્રીજી ટેસ્ટ મેચ માટે પસંદગી માટે ઉપલબ્ધ ન હતો. પ્રથમ 2 ટેસ્ટ મેચમાં મળેલી હાર અંગે રોહિતે એમ પણ કહ્યું કે, "ભૂતકાળમાં જે બન્યું તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે અમે વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ અને અમે અમારી શ્રેષ્ઠ રમત રમવાનો પ્રયત્ન કરીશું જે અમે અત્યાર સુધી આ સિરીઝમાં નથી રમી શક્યા."
ન્યુઝીલેન્ડની ટીમે મુંબઈ ટેસ્ટ મેચ માટે તેની પ્લેઈંગ ઈલેવનમાં પણ બે મોટા ફેરફાર કર્યા છે, જેમાં તેણે છેલ્લી મેચમાં સારી બોલિંગ કરનાર લેફ્ટ આર્મ સ્પિનર મિચેલ સેન્ટનરને સામેલ કર્યો નથી, આ સિવાય ટિમ સાઉથી પણ સામેલ નથી. આ બંને ખેલાડીઓની જગ્યાએ ઈશ સોઢી અને મેટ હેનરીને કિવી ટીમની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે.
બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
ભારત - યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.
ન્યુઝીલેન્ડ - ટોમ લાથમ (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિચેલ, ટોમ બ્લંડલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, ઈશ સોઢી, મેટ હેનરી, એજાઝ પટેલ, વિલિયમ ઓ'રર્કે.








