IND vs NZ / 36 વર્ષ પછી ન્યુઝીલેન્ડે ભારતીય ધરતી પર રચ્યો ઈતિહાસ, બેંગલુરુ ટેસ્ટમાં રોહિત બ્રિગેડની હાર
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ન્યુઝીલેન્ડે આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડને જીતવા માટે 107 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે રમતના પાંચમા દિવસે (20 ઓક્ટોબર) લંચ પહેલા જ ચેઝ કરી લીધો હતો. આ જીત સાથે ન્યુઝીલેન્ડે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બંને દેશો વચ્ચે બીજી ટેસ્ટ મેચ 24 ઓક્ટોબરથી પુણેમાં રમાશે.
36 વર્ષ બાદ ભારતમાં ટેસ્ટ જીતી ન્યુઝીલેન્ડ
જો જોવામાં આવે તો ન્યુઝીલેન્ડે 36 વર્ષ બાદ ભારતીય ધરતી પર ટેસ્ટ જીત હાંસલ કરી છે. આ પહેલા તેણે નવેમ્બર 1988માં વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતને 136 રનથી હરાવ્યું હતું. ભારતની ધરતી પર ન્યુઝીલેન્ડની આ ત્રીજી ટેસ્ટ જીત હતી. ન્યુઝીલેન્ડને ભારતમાં 1969માં નાગપુરમાં પ્રથમ ટેસ્ટ જીત મળી હતી. ત્યારે તેણે યજમાન ટીમને 167 રનથી હરાવી હતી.
આ મેચમાં ભારતીય ટીમ તેની પ્રથમ ઈનિંગમાં માત્ર 46 રન બનાવી શકી હતી. જવાબમાં ન્યુઝીલેન્ડે 402 રન બનાવ્યા હતા. આ સાથે ન્યુઝીલેન્ડની ટીમને પ્રથમ ઈનિંગના આધારે 356 રનની જંગી લીડ મળી હતી. ત્યારબાદ ભારતીય ટીમે તેના બીજી ઈનિંગમાં 462 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડની ટીમ અત્યાર સુધી ભારતીય ધરતી પર એકપણ દ્વિપક્ષીય ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહી નથી. આ વખતે બંને ટીમો વચ્ચે 13મી ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે.






