IND vs NZ / સતત 3 હાર બાદ ન્યુઝીલેન્ડે ટીમમાં કર્યો ફેરફાર, બે ખેલાડી બહાર; આ સ્ટાર પ્લેયર્સને મળી જગ્યા

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ ચાલી રહી છે. ન્યુઝીલેન્ડ ટીમ માટે પહેલી ત્રણ મેચ ભૂલવા જેવી રહી છે. ટીમ ઈન્ડિયાએ તેમને ત્રણેય મેચમાં ખૂબ જખરાબ રીતે હરાવી છે. ભારતે સિરીઝ જીતી હોવા છતાં, કિવી ટીમ છેલ્લી બે મેચમાં મજબૂત વાપસી કરવાની યોજના બનાવી રહી છે. તેને ધ્યાનમાં રાખીને ન્યુઝીલેન્ડે તેની ટીમમાં કેટલાક મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. ટીમમાંથી બે મોટા ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે.
ન્યુઝીલેન્ડે મોટા ફેરફારો કર્યા
ન્યુઝીલેન્ડે તેના સત્તાવાર એકાઉન્ટ પર જાહેરાત કરી કે આગામી બે મેચ માટે તેની ટીમમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. ક્રિશ્ચિયન ક્લાર્ક અને ટિમ રોબિન્સનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. તેમના સ્થાને ટિમ સીફર્ટ, લોકી ફર્ગ્યુસન અને જીમી નીશમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ખેલાડીઓ આગામી બે મેચ માટે ટીમ સાથે રહેશે. તમને જણાવી દઈએ કે ફિન એલન પણ ત્રિવેન્દ્રમમાં પાંચમી T20I માટે ટીમમાં જોડાશે.
ટીમ ઈન્ડિયાએ સિરીઝ જીતી
વર્ષોની રાહ જોયા પછી ન્યુઝીલેન્ડે ભારતમાં ટીમ ઈન્ડિયાને ODI સિરીઝમાં હરાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી. જોકે, T20I સિરીઝમાં તેમની સ્થિતિ ખરાબ રહી છે. પહેલી T20I મેચ 21 જાન્યુઆરી, 2026ના રોજ નાગપુરમાં રમાઈ હતી. જેમાં ભારતે 238 રન બનાવ્યા હતા, જ્યારે ન્યુઝીલેન્ડ જવાબમાં ફક્ત 190 રન જ બનાવી શક્યું હતું. ભારત આ મેચ 48 રનથી જીત્યું હતું.
બીજી T20I મેચ 23 જાન્યુઆરીના રોજ રાયપુરમાં રમાઈ હતી અને ભારતે આ મેચમાં સરળતાથી 209 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20I મેચમાં પણ સરળતાથી જીત મેળવી હતી, ગુવાહાટીમાં રમાયેલી આ મેચમાં ભારતે 154 રનનો ટાર્ગેટ ફક્ત 10 ઓવરમાં ચેઝ કર્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની ODI સિરીઝમાં 3-0ની લીડ મેળવી લીધી. ન્યુઝીલેન્ડનું લક્ષ્ય હવે આગામી બે મેચ જીતવાનું રહેશે. જ્યારે ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડને ક્લીન સ્વીપ કરવા માંગશે.

