નીરજ ચોપરાએ બતાવ્યો ગજબનો જુસ્સો, ટૂર્નામેન્ટમાં તૂટેલા હાથ સાથે લીધી એન્ટ્રી અને કરી બતાવી કમાલ!
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ શનિવારે મોડી રાત્રે

ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ શનિવારે મોડી રાત્રે પોતાનો ગજબનો જુસ્સો બતાવ્યો. તે તૂટેલા હાથ સાથે ડાયમંડ લીગની ફાઇનલમાં પ્રવેશ્યો હતો અને બીજા સ્થાને રહ્યો હતો. નીરજ ડાયમંડ ટ્રોફી જીતવાથી ચૂકી ગયો. નીરજે પોતે જ પોતાના તૂટેલા હાથના સમાચાર સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેર કર્યા છે. ફાઈનલ મેચમાં નીરજે ત્રીજા પ્રયાસમાં 87.86ના અંતરે જેવલિન થ્રો કર્યો હતો, જે આ મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ ડાયમંડ લીગ ચેમ્પિયન બનવામાં સફળ થયો. પીટર્સે પહેલા જ પ્રયાસમાં 87.87 મીટરનો થ્રો કર્યો હતો. એટલે કે નીરજ માત્ર 1 સેન્ટિમીટર પાછળ રહ્યો.
બીજી વખત ડાયમંડ લીગ જીતવાનું સપનું થયું ચકનાચૂર
નીરજે 2022માં ડાયમંડ લીગ જીતી છે. હવે તેનું બીજી વખત ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. નીરજની મેચ બ્રસેલ્સ (બેલ્જિયમ)માં આલિયાન્ઝ મેમોરિયલ વેન ડેમમાં હતી. ઉલ્લેખનીય છે કે, નીરજ ચોપરાએ પહેલા પ્રયાસમાં જ 86.82 મીટર જેવલિન થ્રો કર્યો હતો. તેનો બીજો પ્રયાસ 83.49 મીટર હતો. ત્યારબાદ તેનો ત્રીજો પ્રયાસ 87.86 મીટર હતો. ભારતીય ખેલાડીનો ચોથો પ્રયાસ 82.04 મીટર હતો. પાંચમા પ્રયાસમાં નીરજે 83.30 મીટરનો થ્રો કર્યો હતો. નીરજે તેના છેલ્લા અટેમ્પમાં શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો પરંતુ તે માત્ર 86.46 મીટર ફેંકી શક્યો હતો.
'લેફ્ટ હેન્ડના ચોથા મેટાકાર્પલ હાડકામાં ફ્રેક્ચર'
નીરજે લખ્યું, 'જેમ 2024ની સિઝન પૂરી થઈ રહી છે, હું આખા વર્ષમાં જે શીખ્યો છું તે બધું યાદ કરી રહ્યો છું, જેમાં સુધારાઓ, નિષ્ફળતાઓ, માનસિકતા અને વધુનો સમાવેશ થાય છે. મને સોમવારે (9 સપ્ટેમ્બર) પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી અને એક્સ-રેમાં જાણવા મળ્યું હતું કે મારા ડાબા હાથના ચોથા મેટાકાર્પલ હાડકામાં ફ્રેક્ચર છે. તે અન્ય એક પીડાદાયક પડકાર હતો, પરંતુ મારી ટીમ (ડોક્ટરો)ની મદદથી હું બ્રસેલ્સમાં ભાગ લઈ શક્યો.
ફાઇનલમાં નીરજ ચોપરાનું પ્રદર્શન
પ્રથમ પ્રયાસ- 86.82 મીટર
બીજો પ્રયાસ- 83.49 મીટર
ત્રીજો પ્રયાસ- 87.86 મીટર
ચોથો પ્રયાસ- 82.04 મીટર
પાંચમો પ્રયાસ- 83.30 મીટર
છઠ્ઠો પ્રયાસ – 86.46 મીટર
ચેમ્પિયન એન્ડરસન પીટર્સને શું મળ્યું?
ડાયમંડ લીગની ફાઇનલમાં વિજેતા ખેલાડીને 'ડાયમંડ ટ્રોફી', US$ 30,000ની ઇનામી રકમ અને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે વાઇલ્ડ કાર્ડ આપવામાં આવે છે. નોંધનીય બાબત એ છે કે, ડાયમંડ લીગમાં કોઈ મેડલ આપવામાં આવતો નથી. એટલે કે ટ્રોફી જીતવા અને ઈનામની રકમ મેળવવા માટે ટોચ પર આવવું પડશે.








