Diamond Leagueમાં બીજું ટાઈટલ જીતવાથી ચૂકી ગયો નીરજ ચોપરા, જુલિયન વેબર બન્યો ચેમ્પિયન

નીરજ ચોપરા ઝુરિચમાં રમાયેલી ડાયમંડ લીગ ફાઈનલમાં પોતાનું બીજું ટાઈટલ ચૂકી ગયો. નીરજ આખી ફાઈનલમાં 90 મીટરથી વધુનો એક પણ થ્રો ન ફેંકી શક્યો, તે બીજા સ્થાને રહ્યો. નીરજ 2022માં ડાયમંડ લીગ ટાઈટલ જીત્યું, ત્યારબાદ આ સતત ત્રીજી વખત છે જ્યારે તેને બીજા સ્થાનથી સંતોષ માનવો પડ્યો. જર્મનીના જુલિયન વેબરે ડાયમંડ લીગ 2025માં પ્રથમ સ્થાન મેળવ્યું. તેણે 91.51ના પર્સનલ બેસ્ટ થ્રો સાથે આ ટાઈટલ જીત્યું.
જર્મનીના જુલિયન વેબરે પહેલા જ થ્રોથી ફાઈનલમાં પ્રભુત્વ મેળવ્યું. તેણે 91.37 મીટરનો પહેલો થ્રો ફેંક્યો. જ્યારે નીરજ ચોપરાનો પહેલો થ્રો 84.34 મીટરનો હતો. બંને વચ્ચે મોટો તફાવત હતો, જેના કારણે વેબરનું મનોબળ શરૂઆતથી જ ઘણું વધી ગયું હતું. દરમિયાન, કેશોર્ન વોલકોટ 84.95નો થ્રો ફેંકીને બીજા સ્થાને પહોંચ્યો હતો.
નીરજ ચોપરાનો છેલ્લો થ્રો 85.01 મીટર હતો
વેબરે ફાઈનલનો બીજો થ્રો 91.51 મીટર ફેંક્યો, જે નિર્ણાયક સાબિત થયો અને તેના આધારે તેણે ટાઈટલ જીત્યું. જ્યારે નીરજ ચોપરાનો બીજો થ્રો 82 મીટર હતો. નીરજ શરૂઆતથી જ લયમાં નહતો દેખાતો. નીરજનો ત્રીજો, ચોથો અને પાંચમો થ્રો ફાઉલ હતો. એવું લાગતું હતું કે માનસિક રીતે નીરજ આ મેચમાં હાર સ્વીકારી ચૂક્યો છે.
નીરજ ચોપરાએ પોતાનો છેલ્લો થ્રો 85.01 મીટર ફેંક્યો, જેના કારણે તેને ફાઈનલમાં બીજું સ્થાન મળ્યું. નીરજ સતત ત્રીજી વખત ડાયમંડ લીગમાં બીજા સ્થાને રહ્યો છે. જોકે, તે 2022ના પરાક્રમનું પુનરાવર્તન ન કરી શક્યો, જ્યારે તેણે ઝુરિચમાં જ તેનું એકમાત્ર ડાયમંડ લીગ ટાઈટલ જીત્યું હતું.
ડાયમંડ લીગ ટુર્નામેન્ટમાં નીરજ ચોપરાનું પ્રદર્શન
2020 ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં ભારતનું નામ ઘણું ઉંચુ કર્યું છે. તે ડાયમંડ લીગ ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય છે. તેણે 2022માં ઈતિહાસ રચ્યો અને ત્યારથી તે સતત ત્રણ વખત (2023 યુજેન, 2024 બ્રસેલ્સ, 2025 ઝુરિચ) બીજા સ્થાન પર રહ્યો છે.

