ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે ભારતને લાગ્યો મોટો ઝટકો, મુંબઈના દિગ્ગજ ક્રિકેટરનું થયું અવસાન
ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે. આ મેચ 4 માર્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્

ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે. આ મેચ 4 માર્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મહત્ત્વપૂર્ણ મેચ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
મેચના એક દિવસ પહેલા મુંબઈના ક્રિકેટરનું અવસાન થયું. મુંબઈના પૂર્વ ક્રિકેટર પદ્માકર શિવાલકરનું 3 માર્ચે અવસાન થયું. તેઓ 84 વર્ષના હતા. લેફ્ટ આર્મ સ્પિનર 20 વર્ષ સુધી મુંબઈ માટે રમ્યા હતા. તે બિશન સિંહ બેદીના સમય દરમિયાન રમ્યો હતો. તે ક્યારેય ભારતીય ટીમમાં સ્થાન ન મેળવી શક્યા.
પદ્માકર શિવાલકરની ઘરેલું ક્રિકેટમાં કારકિર્દી
પદ્માકર શિવાલકરે 21 વર્ષની ઉંમરે 1961/62 સિઝનમાં પોતાની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ 1987/88 સિઝનમાં 47 વર્ષની ઉંમર સુધી મુંબઈ માટે રમ્યા હતા. તેમણે પોતાની કારકિર્દીમાં 124 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી અને 589 વિકેટ લીધી હતી. આ સમયગાળા દરમિયાન, તેમણે 42 વખત 5 વિકેટ અને 13 વખત 10 વિકેટ લીધી હતી. 1972/73ની રણજી ટ્રોફી સિઝનની ફાઈનલમાં તમિલનાડુ સામે તેમણે 16 રનમાં 8 વિકેટ અને 18 રનમાં 5 વિકેટ લીધી, જેનાથી મુંબઈને સતત 15મો ખિતાબ મળ્યો હતો.
મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજિંક્ય નાઈકે જણાવ્યું હતું કે, "મુંબઈ ક્રિકેટે આજે એક દિગ્ગજને ગુમાવ્યા છે. પદ્માકર શિવાલકર સર રમતમાં તેમના યોગદાન માટે અને ખાસ કરીને સર્વકાલીન બેસ્ટ સ્પિનરોમાંથી એક તરીકે, હંમેશા યાદ રાખવામાં આવશે. તેમનું સમર્પણ, કૌશલ્ય અને મુંબઈ ક્રિકેટ પરનો પ્રભાવ અજોડ છે. તેમનું નિધન ક્રિકેટ જગત માટે એક મોટું નુકસાન છે. તેમના આત્માને શાંતિ મળે." તમને જણાવી દઈએ કે ઘરેલું ક્રિકેટના આ દિગ્ગજ ખેલાડીને 2016માં સીકે નાયડુ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.






