મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

મોહમ્મદ શમી નહીં જાય ઓસ્ટ્રેલિયા, BCCIએ ક્રિકેટરની ફિટનેસને લઇને આપ્યું અપડેટ

ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બાકીની બે ટેસ્ટ મેચ ર

મોહમ્મદ શમી નહીં જાય ઓસ્ટ્રેલિયા, BCCIએ ક્રિકેટરની ફિટનેસને લઇને આપ્યું અપડેટ

ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બાકીની બે ટેસ્ટ મેચ રમવા ઓસ્ટ્રેલિયા નહીં જાય. BCCI એ સોમવારે આ વાતની પુષ્ટિ કરી છે. BCCIએ બોલરની ફિટનેસ અંગે અપડેટ જારી કરતા કહ્યું કે, શમીની જમણી એડી પર સર્જરી બાદ તેની રિકવરી અને રિહેબિલિટેશન પર ટીમ કામ કરી રહી છે. શમી એડીની સમસ્યામાંથી સંપૂર્ણપણે સાજો થઈ ગયો છે. જણાવી દઈએ કે, શમી ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ બાદથી ભારતીય ટીમની બહાર છે.

શમીએ ગત મહિને બંગાળ માટે રણજી ટ્રોફી મેચ રમીને સ્પર્ધાત્મક ક્રિકેટમાં પુનરાગમન કર્યું હતું. આ પછી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાની તાકાત બતાવી. એવી સંભાવના હતી કે શમી ક્રિકેટના મેદાનમાં પરત ફર્યા બાદ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ શકે છે. હાલ ભારતીય ટીમ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમી રહી છે. હાલમાં શ્રેણી 1-1થી બરાબર છે. ત્રીજી મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. મેલબોર્નમાં ગુરૂવારથી ચોથી ટેસ્ટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, શમીને લઈને ટીમ મેનેજમેન્ટ કોઈ ઉતાવળ કરવા માંગતું નથી.

BCCIએ એક નિવેદનમાં કહ્યું કે, મેડિકલ ટીમ શમીની રિકવરી અને રિહેબિલિટેશન પર કામ કરી રહી છે. તે એડીની સમસ્યામાંથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ ચૂક્યો છે. શમીએ નવેમ્બરમાં મધ્યપ્રદેશ સામેની રણજી ટ્રોફી મેચમાં 43 ઓવર ફેંકી હતી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની 9 મેચ રમ્યો, આ દરમિયાન તેણે ટેસ્ટ મેચોની તૈયારી માટે વધારાના બોલિંગ સત્રોમાં પણ ભાગ લીધો હતો. જોકે, બોલિંગને કારણે જોઈન્ટ પર વધુ પડતા ભારને લીધે તેના ડાબા ઘૂંટણમાં થોડો સોજો આવ્યો છે. લાંબા સમય બાદ બોલિંગ કરવાને લીધે પણ સોજો આવ્યો હોય તેવી સંભાવના છે.

આ સમાચાર શેર કરો