ખેલરત્ન નોમિનેશન વિવાદ: 'દેશના ટોચના ખેલાડીએ એવોર્ડ માટે અરજી કરવી પડે તે તેનું અપમાન', મનુ ભાકરના કોચે કાઢી ઝાટકણી
ભારતના રમત જગત ઇતિહાસમાં એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી મનુ ભાકર જ છે. ભારતનો સર્વોચ્ચ સ્પોર્ટ્સ એવોર્ડ

ભારતના રમત જગત ઇતિહાસમાં એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી મનુ ભાકર જ છે. ભારતનો સર્વોચ્ચ સ્પોર્ટ્સ એવોર્ડ ખેલરત્ન છે તેનાં નોમિનેશનમાં મનુ ભાકરનું નામ નથી તે અંગેનો વિવાદ વકર્યો છે. મનુ ભાકરના પિતા પછી હવે તેના કોચ જસપાલ રાણાએ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. બીજી તરફ કેન્દ્ર સરકાર બચાવમાં આવી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, 'હજુ એવોર્ડ તો જાહેર થવા દો.' શું છે આ સમગ્ર વિવાદ તેના વિશે જાણીયે...
મનુ ભાકરના પિતાએ શું કહ્યું હતું?
મનુ ભાકરના પિતાએ કહ્યું હતું કે, 'જો તમારે ઍવૉર્ડ માટે ભીખ માંગવી જ હોય તો એક જ ઓલિમ્પિકસમાં બે મેડલ જીતવાનો શું ફાયદો? એક સરકારી અધિકારી નિર્ણય લઈ રહ્યા છે અને સમિતિના સભ્યો મૌન છે અને પોતાનો અભિપ્રાય આપી રહ્યા નથી. મને સમજાતું નથી આ શું થઈ રહ્યું છે. અમે ઍવૉર્ડ માટે અરજી કરી હતી. પરંતુ સમિતિ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. શું તમે આ રીતે એથ્લીટને પ્રોત્સાહિત કરી રહ્યા છો? માતા-પિતા તેમના બાળકોને ભવિષ્યમાં રમવા માટે પ્રોત્સાહિત કરતા હોય છે.'
મનુ ભાકરના કોચ કેમ ગુસ્સે થયા?
મનુ ભાકરના કોચ જસપાલ રાણાએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે,મનુ ભાકરે ઇતિહાસ સર્જ્યો હોય તેને નિર્વિવાદ કે બીનહરિફ રીતે જ આ એવોર્ડ કેન્દ્ર સરકારના રમતજગત મંત્રાલય દ્વારા મળવો જોઇએ પણ એવી વાત ઉડી કે મનુ ભાકરને ખેલરત્ન નહીં મળે કેમ કે એવોર્ડ મેળવવા ઇચ્છુક ખેલાડીઓએ રમતજગત મંત્રાલયને આ માટે અરજી કરવી પડે અને મનુ ભાકરે અરજી કરી નથી. જો આ જ કારણસર એવોર્ડ મનુ ભાકરને ન અપાતો હોય તો કેન્દ્ર સરકાર અને રમતજગત મંત્રાલયનું માથું શરમથી ઝુકી જવું જોઇએ.
ખેલરત્ન એવોર્ડ નોમિનેશનને લઇ મનુ ભાકરે શું કહ્યું?
પેરિસ ઓલિમ્પિક્સમાં 2 મેડલ જીતનારી ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર હાલ ચર્ચામાં છે. 22 વર્ષીય મનુ ભાકરે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન ઍવૉર્ડ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે.મનુ ભાકરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે.
મનુ ભાકરે પોસ્ટમાં લખ્યું હતું કે, 'મારા ખેલ રત્ન ઍવૉર્ડના નોમિનેશનને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. જેના પર હું કહેવા માંગુ છું કે, એક એથ્લીટ તરીકે મારું કામ દેશ માટે રમવું અને સારું પ્રદર્શન કરવાનું છે. ઍવૉર્ડ અથવા કોઈ સન્માન મને પ્રોત્સાહિત કરે છે, પરંતુ આ મારા લક્ષ્યો નથી. મને લાગે છે કે નોમિનેશન માટે મારાથી કંઈ ભૂલ થઈ હતી. જેને મેં સુધારી લીધી છે. મને ઍવૉર્ડ મળે કે ન મળે હું દેશ માટે બને તેટલા મેડલ જીતવાનો પ્રયાસ કરતી રહીશ. હું દરેકને વિનંતી કરું છું કે હવે આ મુદ્દા પર વાત ન કરશો.'
આ પણ વાંચો: પૂર્વ ભારતીય ક્રિકેટરના પિતાએ કર્યું કરોડોનું કૌભાંડ, હવે 7 વર્ષની જેલ, જાણો શું છે મામલો
આ ખેલાડી માટે સમિતિએ ભલામણ કરી
મેજર ધ્યાનચંદ ખેલ રત્ન ઍવૉર્ડ માટે ભારતના હોકીના સ્ટાર ડ્રેગ ફ્લિકર હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લીટ પ્રવીણ કુમારના નામની ભલામણ કરવામાં આવી છે. હરમનપ્રીતની કૅપ્ટનશીપ હેઠળ ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક્સમાં સતત બીજી વખત બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.








