બ્લાઈન્ડ ક્રિકેટ એશિયા કપ 2026માં મોટો વિવાદ! ટોસ વગર જ મેચ રદ થઈ છતાં પાકિસ્તાનને એકલા વિજેતા જાહેર કરાતા ભારત ભડક્યું

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી પુરુષ બ્લાઈન્ડ ક્રિકેટ એશિયા કપ 2026ની ફાઈનલ મેચમાં ભારે વિવાદ સર્જાયો છે. ઢાકામાં સતત વરસાદને કારણે ટોસ ઉછાળ્યા વિના જ ફાઈનલ મુકાબલો રદ કરવામાં આવ્યો હતો. જોકે, વર્લ્ડ બ્લાઈન્ડ ક્રિકેટ કાઉન્સિલે પાકિસ્તાનને એકમાત્ર વિજેતા જાહેર કરી દેતા ભારતીય ટીમે ટ્રોફી વિતરણ સમારોહનો બહિષ્કાર કર્યો હતો અને પાકિસ્તાનને ચેમ્પિયન માનવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.
નેટ રન-રેટના આધારે પાકિસ્તાનને વિજેતા જાહેર કરાતા વિવાદ
શુક્રવારે ઢાકા ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખિતાબી જંગ રમાવાનો હતો, પરંતુ ભારે વરસાદને કારણે એક પણ બોલ ફેંકાયા વિના મેચ રદ કરવી પડી હતી. આશ્ચર્યજનક રીતે મેચ રેફરીએ બહેતર નેટ રન-રેટનો હવાલો આપીને પાકિસ્તાનને ટૂર્નામેન્ટનું એકમાત્ર વિજેતા જાહેર કરવાનો નિર્ણય લીધો હતો.
CABI એ નિર્ણયને ફગાવ્યો, સંયુક્ત વિજેતા જાહેર કરવાની માંગ
ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ ઈન ઈન્ડિયા (CABI) એ પાકિસ્તાનને એકલા વિજેતા જાહેર કરવાના નિર્ણયની આકરી નિંદા કરી છે અને તેને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. CABI નું કહેવું છે કે નિયમો મુજબ આ સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન બંનેને સંયુક્ત વિજેતા (Joint Winners) તરીકે માન્યતા આપવી જોઈએ. CABI ના જણાવ્યા અનુસાર, ટૂર્નામેન્ટના ટેકનિકલ નિયમોની કલમ 27 મુજબ જ્યારે આ મુદ્દો ટેકનિકલ કમિટી સમક્ષ ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારે શરૂઆતમાં બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવા પર સહમતિ પણ સધાઈ હતી.
સેમીફાઈનલમાં બાંગ્લાદેશને હરાવી ફાઈનલમાં પહોંચ્યું હતું ભારત
ઉલ્લેખનીય છે કે ભારતીય બ્લાઈન્ડ ક્રિકેટ ટીમે બુધવારે ઢાકાના બસુંધરા સ્પોર્ટ્સ સિટી ખાતે રમાયેલી સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 8 વિકેટે કારમી હાર આપીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. લીગ તબક્કામાં પાકિસ્તાન સામે મળેલી 1 વિકેટની નજીવી હારનો બદલો લેવા માટે ભારતીય ટીમ સજ્જ હતી, પરંતુ વરસાદે મેચની મજા બગાડી હતી. નોંધનીય છે કે ભારતે 2016માં પ્રથમ વખત આ ખિતાબ જીત્યો હતો, જ્યારે 2020માં કોવિડ-19ના કારણે ટૂર્નામેન્ટ યોજાઈ શકી નહોતી.










