Video: 'તેનું નામ સિરાજ છે, એટલે ટીમમાં જગ્યા ન મળી', ફાસ્ટ બોલરને પ્લેઇંગ-11માં સ્થાન ન મળતાં કોંગ્રેસ સાંસદે વ્યક્ત કર્યો રોષ

સોર્સ: X

ન્યુઝીલેન્ડ સામે વેલિંગ્ટન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11ને લઈને વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને પ્લેઈંગ 11માં સ્થાન ન મળવા પર સોશિયલ મીડિયાથી લઈને ક્રિકેટ જગત સુધી સવાલ ઉઠી રહ્યા છે. હવે કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદે પણ આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. તેમણે સિરાજના નામ અંગે કટાક્ષ કરતા કહ્યું, 'તેનું નામ સિરાજ છે, એટલે ટીમમાં જગ્યા ન મળી'

મોહમ્મદ સિરાજના સિલેક્શન અંગે પૂછવામાં આવેલા સવાલ પર ઈમરાન મસૂદે કહ્યું કે, 'જો તેઓ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમ છતાં તેમનું સિલેક્શન નથી થઈ રહ્યું તો તેની પાછળ બીજું શું કારણ હોઈ શકે? આ જ કારણ હોઈ શકે છે, આના સિવાય બીજું કોઈ કારણ ન હોઈ શકે .'

જાહેરાત

ગાવસ્કર અને શાસ્ત્રીએ પણ ઉઠાવ્યા સવાલ

સિરાજને પ્લેઈંગ 11માંથી બહાર રાખવાનો નિર્ણય ઘણા પૂર્વ ક્રિકેટરોને પણ ચોંકાવી ગયો. સુનીલ ગાવસ્કરે તેને આશ્ચર્યજનક નહીં, પરંતુ હેરાન કરનારો નિર્ણય ગણાવ્યો. તેમણે કહ્યું કે, 'સિરાજે ક્યારેય ભારતને નિરાશ નથી કર્યું અને તેમની બોલિંગમાં એવું કંઈ થયું નથી, જેના કારણે તેમને બહાર રાખવામાં આવે.'

ગાવસ્કરના જણાવ્યા પ્રમાણે જ્યારે સિરાજને વન-ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો અને તેણે છેલ્લી મેચ રમી તો તેને લાગ્યું હતું કે બોલરને પહેલી ટેસ્ટ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આવા સંજોગોમાં વેલિંગ્ટનમાં પ્લેઈંગ 11માં સ્થાન ન મળવું આશ્ચર્યજનક છે.

બીજી તરફ પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પણ સોશિયલ મીડિયા પર સિરાજનું સમર્થન કર્યું. તેમણે લખ્યું કે, અનુભવ અને રમત પ્રત્યેના સમર્પણને જોતા સિરાજ ટીમમાં હોવા જોઈતા હતા. શાસ્ત્રીએ સવાલ ઉઠાવ્યો કે જો ઝડપી ગતિ, કૌશલ્ય અને બોલને સ્વિંગ કરાવવાની ક્ષમતા પસંદગીનો આધાર હતી, તો 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરનારા સિરાજને કેમ બહાર રાખવામાં આવ્યો? તેમણે સિરાજના અનુભવ, આક્રમકતા અને બોલથી મેચનો રૂખ બદલવાની ક્ષમતાનો પણ ઉલ્લેખ કર્યો.

આ ઉપરાંત પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે ટીમ મેનેજમેન્ટની સિલેક્શન નીતિ પર કટાક્ષ કરતાં સચિન તેંડુલકરનું ઉદાહરણ પણ આપ્યું. કૈફના મતે, જો હાલના ટીમ મેનેજમેન્ટનું ચાલત, તો તે સચિન તેંડુલકર જેવા મહાન બેટ્સમેનને પણ બે-ત્રણ ખરાબ મેચો અથવા એક ખરાબ સિરીઝ પછી ટીમમાંથી બહાર કરી દેત.

તેમનું કહેવું છે કે, ટીમ મેનેજમેન્ટ પહેલા પણ ઘણા ખેલાડીઓ સાથે આવા નિર્ણયો લઈ ચૂક્યું છે અને હવે મોહમ્મદ સિરાજ સાથે પણ કંઈક આવું જ થતું જોવા મળી રહ્યું છે. કૈફે એ વાત પર ભાર મૂક્યો કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દરેક ખેલાડીના કરિયરમાં ઉતાર-ચઢાવ આવે છે. પરંતુ એક ખરાબ સીરીઝ કોઈ ખેલાડીના વર્ષોના યોગદાન અને મેચ જીતાડનારા પ્રદર્શનને ખતમ નથી કરી શકતી.

ઈંગ્લેન્ડમાં સિરાજ અને જાડેજાનું હતું શાનદાર પ્રદર્શન

ગૌતમ ગંભીરની રણનીતિ પર સવાલ એટલા માટે પણ ઉઠી રહ્યા છે કારણ કે ઈંગ્લેન્ડ પ્રવાસ પર મોહમ્મદ સિરાજ અને રવીન્દ્ર જાડેજા બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે બંનેને જ વેલિંગ્ટનમાં પ્લેઈંગ 11થી બહાર કરી દીધા છે. 2025ની એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં સિરાજ ભારતનો સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે પાંચ ટેસ્ટ મેચોની નવ ઈનિંગ્સમાં 23 વિકેટ હાંસલ કરી હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આ સીરીઝ 2-2 થી બરોબર રહી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત