વિજય હજારે ટ્રોફીની મેચમાં ઘટી મોટી દુર્ઘટના, અંગકૃષ ગંભીર ઈજાગ્રસ્ત થતા સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવાયો

વિજય હજારે ટ્રોફીમાં આજે મુંબઈ અને ઉત્તરાખંડની ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. જયપુરમાં રમાતી આ મેચમાં મોટી દુર્ઘટના થઈ હતી. સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મુંબઈનો યુવા ક્રિકેટર અંગકૃષ રઘુવંશી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. જે બાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ફિલ્ડિંગ દરમિયાન થઈ ઈજા
21 વર્ષના અંગકૃષ રઘુવંશી બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે તનુષ કોટિયનની ઓવર દરમિયાન ઉત્તરાખંડના બેટર સૌરભ રાવતે સ્લોગ સ્લીપ રમવા પ્રયાસ કર્યો. જે બાદ અંગકૃષ કેચ પકડવા દોડ્યો પણ પ્રયાસ સફળ ન રહેતા તે જમીન પર પટકાયો હતો. જે બાદ તે જમીન પર જ સૂઈ ગયો હતો.
સ્ટ્રેચર પર અંગકૃષને મેદાનની બહાર લઈ જવાયો
સ્થિતિને જોતાં મેડિકલ ટીમ તાત્કાલિક મેદાન પર પહોંચી અને સ્ટ્રેચર પર અંગકૃષને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. આજની મેચમાં અંગકૃષે 20 બોલમાં 11 રન ફટકાર્યા હતા. મુંબઈએ પહેલા બેટિંગ કરીને 50 ઓવરમાં કુલ 331 રન ફટકાર્યા હતા. આજની મેચમાં મુંબઈનો રોહિત શર્મા પહેલી જ બોલમાં આઉટ થઈ ગયો હતો.

