ભારતીય ટીમ માટે મુખ્યમંત્રી શિંદેએ કર્યું મોટું એલાન, મહારાષ્ટ્રના ખેલાડીનું કર્યું હતું સન્માન
T-20 વર્લ્ડકપ 2024ની વિજેતા ટીમમાં સામેલ મહારાષ્ટ્રના ખેલાડીઓનું શુક્રવારે સન્માન કરવામાં આવ્યું

T-20 વર્લ્ડકપ 2024ની વિજેતા ટીમમાં સામેલ મહારાષ્ટ્રના ખેલાડીઓનું શુક્રવારે સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ચેમ્પિયન ટીમ માટે મોટી જાહેરાત કરી છે. શિંદેએ ભારતીય ટીમ માટે 11 કરોડ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રીએ સહયોગી ટીમના સભ્યો પારસ મ્હામ્બરે અને અરુણ કનાડેના યોગદાનની પ્રશંસા કરી અને તેમનું સન્માન કર્યું. આ ઉપરાત વિક્ટ્રી પરેડ દરમિયાન મુંબઈ પોલીસના ક્રાઉડ મેનેજમેન્ટની પણ પ્રશંસા કરી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા.
રોહિત સહિતના મહારાષ્ટ્રના ખેલાડીનું શાલ ઓઢાડીને કર્યું સન્માન
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. શિંદેએ પોતાના ભાષણમાં વર્લ્ડ કપમાં કટ્ટર હરીફ પાકિસ્તાન પર ટીમની જીત અને દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલ મેચમાં સૂર્યકુમાર દ્વારા લેવામાં આવેલા શાનદાર કેચની પ્રશંસા કરી હતી.
BCCIએ 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપી હતી
મહારાષ્ટ્ર સરકાર પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે ભારતીય ટીમ માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી હતી. BCCIએ ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન ભારતીય ટીમના સભ્યોને 125 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો હતો.
ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો
T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. આ રીતે ભારતીય ટીમ આ ફોર્મેટમાં બીજી વખત ચેમ્પિયન બની છે. 29 જૂને રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને રોમાંચક રીતે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે બ્રિજટાઉન (બાર્બાડોસ)ના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો.








