કોહલી અને પંતે બનાવ્યો અનોખો રેકોર્ડ, સચિન અને ધોનીનો તૂટયો રેકોર્ડ
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીએ લાંબા વિરામ બાદ ટેસ્ટ ક્રિકેટમાં વાપસ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીએ લાંબા વિરામ બાદ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી છે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહેલી બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ મેચમાં તે કંઈ ખાસ કરી શક્યો ન હતો. તેણે મેચની પહેલી ઇનિંગમાં માત્ર 6 રન અને જ્યારે બીજી ઇનિંગમાં 17 રન કરી આઉટ થઇ ગયો હતો. આ મેચમાં ભલે કોહલી માત્ર 23 રન જ બનાવી શક્યો હોય, પરંતુ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે, જે સચિન તેંડુલકરના નામે હતો. કોહલી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘરઆંગણે સૌથી ઓછી ઇનિંગ્સમાં 12000 રનનો આંકડો પાર કરનાર ખેલાડી બની ગયો છે.
સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
આ ટેસ્ટ મેચની બીજી ઈનિંગ દરમિયાન વિરાટ કોહલીએ પોતાનો 5મો રન પૂરો કરતાની સાથે જ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘરઆંગણે સૌથી ઓછી ઇનિંગ્સમાં 12000 રન પૂરા કરનાર ખેલાડી બની ગયો હતો. કોહલીએ 243 ઇનિંગ્સ રમી આ સિદ્ધિ મેળવી હતી. અગાઉ આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો, કે જેણે ઘરઆંગણે 267 ઇનિંગ્સમાં પોતાના 12000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા હતા. જો કે ઘરઆંગણે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન કરવાના મામલે કોહલી હજી સચિન તેંડુલકરથી પાછળ છે, કારણ કે સચિને 14192 રન બનાવ્યા છે, જ્યારે કોહલીએ અત્યાર સુધીમાં 12012 રન બનાવ્યા છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘરઆંગણે સૌથી ઓછી ઇનિંગ્સમાં 12000 રન પૂરા કરનારા ખેલાડીઓ
વિરાટ કોહલી - 243 ઇનિંગ્સ
સચિન તેંડુલકર – 267 ઇનિંગ્સ
કુમાર સંગાકારા - 269 ઇનિંગ્સ
જેક કાલિસ – 271 ઇનિંગ્સ
રિકી પોન્ટિંગ - 275 ઇનિંગ્સ
ત્યારે આ તરફ પહેલી ઇનિંગમાં જ અશ્વિન અને ઋષભ પંતે બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. લગભગ 2 વર્ષ બાદ ઋષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં પરત ફર્યો છે. ત્યારે હવે પંત કેવું પ્રદર્શન કરશે તેણે લઈને બધાને શંકા હતી. પહેલી ઇનિંગમાં પંત કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો, પરંતુ બીજી ઇનિંગમાં તોફાની બેટિંગ કરી પંતે સદી ફટકારીને શાનદાર વાપસી કરી હતી.
ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડીયમમાં રમાઈ રહેલી મેચની બીજી ઈનિંગમાં પંતે 128 બોલમાં 109 રનની ઇનિંગ રમી હતી. પોતાની આ શાનદાર ઇનિંગ દરમિયાન પંતે 13 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. પંતે ટેસ્ટ ક્રિકેટમાં આ સદી 634 દિવસ પછી કરી છે. 58 ટેસ્ટ ઇનિંગ્સમાં પંતની આ છઠ્ઠી સદી છે. આ પહેલા ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ પણ ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી ફટકારી હતી. ધોનીએ 144 ઇનિંગ્સમાં 6 સદી ફટકારી હતી. હવે પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય વિકેટકીપરની યાદીમાં તેણે ધોનીની બરાબરી કરી લીધી છે.
બીજી ઇનિંગમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં છે. ત્રીજા દિવસે ભારત પાસે 500થી વધુ રનની લીડ છે. આ સ્થિતિમાં બાંગ્લાદેશ માટે જીતનો માર્ગ ઘણો મુશ્કેલભર્યો રહેશે. અગાઉની પહેલી ઇનિંગમાં બાંગ્લાદેશની ટીમ 149 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.








