ICCના વિચિત્ર નિયમના કારણે હાર્યું બાંગ્લાદેશ? અમ્પાયરે ન આપ્યા લેગ બાયના 4 રન, અહીં સમજો આખો મામલો
સોમવારે T20 વર્લ્ડ કપની 20મી મેચમાં સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશને 4 રને હરાવ્યું હતું. ન્યૂયોર્કમ

સોમવારે T20 વર્લ્ડ કપની 20મી મેચમાં સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશને 4 રને હરાવ્યું હતું. ન્યૂયોર્કમાં રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 113 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 109 રન બનાવી શકી હતી. આ જીત સાથે એડન માર્કરમની આગેવાની હેઠળની સાઉથ આફ્રિકાએ ભારતીય ટીમનો T20 વર્લ્ડ કપમાં સૌથી ઓછો સ્કોર ડિફેન્ડ કરવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
બાંગ્લાદેશને લેગ બાયના ચાર રન મળ્યા ન હતા
આ મેચમાં અમ્પાયરની ભૂલ અને ICCના નિયમને કારણે બાંગ્લાદેશને ફોર એટલે કે ચાર રન નહોતા મળ્યા. અમ્પાયરના આ નિર્ણયથી સમગ્ર બાંગ્લાદેશ ટીમ દંગ રહી ગઈ હતી.
બીજી ઈનિંગ દરમિયાન, જ્યારે બાંગ્લાદેશની ટીમ ટાર્ગેટ ચેઝ કરી રહી હતી, ત્યારે 17મી ઓવરના બીજા બોલ પર લેગ બાયના ચાર રન આપવામાં આવ્યા ન હતા. જો બાંગ્લાદેશને આ ચાર રન મળ્યા હોત તો ટીમનું પરિણામ અલગ હોઈ શકે.
શું થયું હતું?
ઓટનીલ બાર્ટમેને બાંગ્લાદેશના બેટ્સમેન મહમુદુલ્લાહને બોલ ફેંક્યો, જે તેના પેડ સાથે અથડાયો અને બાઉન્ડ્રી લાઈન પાર કરી ગયો. આ સાથે જ આફ્રિકન ફાસ્ટ બોલરે LBWની અપીલ કરી હતી. અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો. આ પછી મહમુદુલ્લાહે અમ્પાયરના નિર્ણયને પડકાર્યો અને DRSનો ઉપયોગ કર્યો, જેમાં બેટ્સમેનને નોટઆઉટ જાહેર કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે ટીમને લેગ બાયના ચાર રન આપવામાં આવ્યા ન હતા.
ICCના નિયમો અનુસાર, જો અમ્પાયર કોઈ બેટ્સમેનને આઉટ આપે છે, તો બેટ્સમેન દ્વારા તે બોલ પર મારવામાં આવેલ બાઉન્ડ્રી અથવા લીધેલા કોઈપણ રનને ગણવામાં આવશે નહીં. અમ્પાયરે આઉટ આપ્યા બાદ બોલ ડેડ થઈ જાય છે.
સાઉથ આફ્રિકાનો દબદબો યથાવત છે
તમને જણાવી દઈએ કે સાઉથ આફ્રિકાએ લો સ્કોરિંગ મેચમાં બાંગ્લાદેશને હરાવીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. સાઉથ આફ્રિકાની ટીમ T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે ક્યારેય નથી હારી. T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે સાઉથ આફ્રિકાનો રેકોર્ડ 4-0થી એકતરફી છે.








