KKRના સ્ટાર રમનદીપ સિંહે ચાર્લી ચોહાણ સાથે કર્યા ગુપ્ત લગ્ન, વાયરલ થઈ રહી છે લગ્નની તસવીરો

IPLમાં શાહરૂખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમ માટે રમનાર યુવા ક્રિકેટર રમનદીપ સિંહ અને પ્રખ્યાત અભિનેત્રી ચાર્લી ચોહાણે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. 'કેસી યે યારિયાં' ફેમ ચાર્લી ચોહાણ હવે મિસમાંથી મિસીસ બની ગઈ છે. પંજાબ કિંગ્સના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ કપલને સત્તાવાર રીતે અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
ગુરુદ્વારામાં પારંપરિક શીખ વિધિથી લગ્ન
ક્રિકેટર રમનદીપ સિંહની ઉંમર 29 વર્ષની છે. તેણે અભિનેત્રી ચાર્લી ચોહાણ સાથે કોઈ મોટા દેખાડા વગર એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા છે. બંનેએ ગુરુદ્વારામાં પહોંચીને પારંપરિક શીખ વિધિથી આનંદ કારજ સંપન્ન કર્યા છે. આ લગ્નમાં માત્ર બંનેના પરિવારજનો, ખાસ મિત્રો અને નજીકના સંબંધીઓ જ હાજર રહ્યા હતા. ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહ પણ આ લગ્નમાં પહોંચ્યો હતો. બંનેએ પોતાના સંબંધોને અત્યાર સુધી એકદમ ગુપ્ત રાખ્યા હતા, જેના કારણે ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
દુલ્હા અને દુલ્હનનો શાહી અને આકર્ષક લુક
લગ્નની તસવીરોમાં અભિનેત્રી ચાર્લી ચોહાણ ઘાટા લાલ રંગના લહેંગામાં સુંદર લાગી રહી હતી. તેના લહેંગા પર ખૂબ જ આકર્ષક ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું હતું. બ્રાઈડલ લુક પૂર્ણ કરવા માટે તેણે ગોલ્ડન માંગટીકો, ઝૂમર, નથણી અને સુંદર નેકલેસ પહેર્યા હતા. હાથમાં લાલ ચૂડો તેની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો. બીજી તરફ, રમનદીપ સિંહ આઈવરી કલરની શેરવાનીમાં શાહી અંદાજમાં નજરે પડ્યા. તેની શેરવાની પર પણ સુંદર કારીગરી થયેલી હતી અને માથા પર લાલ રંગની પાઘડી તેણે ધારણ કરી હતી.
બંને સેલેબ્સની કરિયર અને આગામી સફર
ચાર્લી ચોહાણે પોતાની કરિયરની શરૂઆત 'એમટીવી રોડીઝ 7' થી કરી હતી અને બાદમાં 'કેસી યે યારિયાં' સિરિયલમાં કામ કરીને મોટી ઓળખ બનાવી હતી. બીજી તરફ, રમદીપ સિંહ ડોમેસ્ટીક ક્રિકેટમાં પંજાબ માટે રમે છે અને IPLમાં કેકેઆર (KKR) ટીમનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ અચાનક થયેલા લગ્નને કારણે બંને હાલ ચર્ચાનો વિષય બન્યા છે અને ફેન્સ તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

