જોસ બટલરે ઈતિહાસ રચ્યો, T20માં 15,000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો

જોસ બટલરે ગુરુવારે શ્રીલંકા સામેની બીજી T20Iમાં 30 રન બનાવ્યા, પરંતુ આ ટૂંકી ઈનિંગ સાથે, તેણે એક મહત્ત્વપૂર્ણ રેકોર્ડ બનાવ્યો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 145 રન બનાવ્યા. ઈંગ્લેન્ડે 13મી ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરીને છ વિકેટથી જીત મેળવી હતી. ઈંગ્લેન્ડે ત્રણ મેચની સિરીઝમાં અજેય લીડ મેળવી છે.
146 રન ચેઝ કરતા જોસ બટલર અને એન્યુરિન ડોનાલ્ડે ઈંગ્લેન્ડને ઝડપી શરૂઆત અપાવી, 28 બોલમાં પ્રથમ વિકેટ માટે 51 રનની પાર્ટનર કરી. ડોનાલ્ડ પાંચમી ઓવરમાં 21 રન બનાવીને આઉટ થયો, જ્યારે બટલર તેના પછીની ઓવરમાં પવેલિયન પાછો ફર્યો. તેણે 16 બોલમાં 30 રન બનાવ્યા, જેમાં એક છગ્ગો અને ચાર ચોગ્ગા ફટકાર્યા.
T20માં 15,000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન
2009થી T20 રમી રહેલા જોસ બટલરે ગુરુવારે 30 રનની ઈનિંગ સાથે પોતાની T20 કારકિર્દીમાં 15,000 રન પૂરા કર્યા. તે T20માં સૌથી વધુ રન બનાવનાર અને 15,000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો. તેણે વેસ્ટ ઈન્ડિઝ કિરોન પોલાર્ડનો રેકોર્ડ તોડ્યો, જેણે 671 ઈનિંગમાં 14,999 રન બનાવ્યા હતા.
જોસ બટલરે 528 T20 મેચ રમી છે, 497 ઈનિંગમાં 35.46ની એવરેજથી 15,000 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 9 સદી અને 107 અડધી સદી ફટકારી છે.
T20માં સૌથી વધુ રન બનાવનારા ટોચના 5 બેટ્સમેન
- જોસ બટલર - 15,000
- કાયરોન પોલાર્ડ - 14,999
- એલેક્સ હેલ્સ - 14,581
- ક્રિસ ગેલ - 14,562
- ડેવિડ વોર્નર - 14,284
વિરાટ કોહલી છઠ્ઠા ક્રમે
ભારત માટે સૌથી વધુ T20 રન બનાવનાર ખેલાડી વિરાટ કોહલી છે, જે યાદીમાં છઠ્ઠા ક્રમે છે. કોહલીએ 430 મેચોમાં 413 ઈનિંગ્સમાં 14,218 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે 10 સદી અને 118 અડધી સદી ફટકારી છે.

