જસપ્રીત બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો

ભારતીય ક્રિકેટના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 2025ના અંત સાથે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. તેણે એક કારનામું કર્યું છે જે પહેલા કોઈ ભારતીય ફાસ્ટ બોલરે નથી કર્યું. વ્યક્તિગત અને ટીમ પ્રદર્શનની દૃષ્ટિએ 2025 તેના માટે અપેક્ષા મુજબ ન રહ્યું હોય, પરંતુ તેણે ICC ટેસ્ટ રેન્કિંગમાં ઈતિહાસ રચવામાં કોઈ કસર નથી છોડી.
ICCની લેટેસ્ટ ટેસ્ટ બોલિંગ રેન્કિંગ અનુસાર, બુમરાહે 2025નું વર્ષ નંબર-1 બોલર તરીકે પૂર્ણ કર્યું છે. આનાથી તે સતત બે વર્ષ સુધી ટોપનું સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો છે. અગાઉ, તેણે 2024નું વર્ષ પણ વર્લ્ડ નંબર-1 ટેસ્ટ બોલર તરીકે પૂર્ણ કર્યું હતું.
બુમરાહે પહેલા ફક્ત રવિચંદ્રન અશ્વિને જ આ સિદ્ધિ મેળવી હતી. આ અનુભવી સ્પિનરે 2015 અને 2016માં સતત બે વર્ષ સુધી ટેસ્ટ બોલર રેન્કિંગમાં ટોપ પર રહીને વર્ષ પૂરું કર્યું હતું. આ સિવાય તે 2023માં પણ નંબર-1 બોલર હતો. દિગ્ગજ સ્પિનર બિશન સિંહ બેદી પણ 1973ના અંત સુધી ટેસ્ટ બોલર રેન્કિંગમાં ટોપ પર હતા. જોકે, અશ્વિન અને બેદી બંને સ્પિનર છે. આથી બુમરાહ સતત બે વર્ષ સુધી ટેસ્ટ રેન્કિંગમાં ટોપનું સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર છે.
2025માં પ્રદર્શન
આંકડાની વાત કરીએ તો જસપ્રીત બુમરાહએ 2025માં 8 ટેસ્ટ મેચોમાં 14 ઈનિંગ્સમાં 22.16ની પ્રભાવશાળી એવરેજ સાથે 31 વિકેટ લીધી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે 3 વખત એક ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી, જે તેની વર્લ્ડ ક્લાસની બોલિંગ ક્ષમતા દર્શાવે છે. સતત બે વર્ષ સુધી વિશ્વનો બેસ્ટ ટેસ્ટ બોલર રહેવાથી માત્ર બુમરાહની ક્ષમતા જ નહીં પરંતુ ભારતીય ફાસ્ટ બોલિંગનું વધતું કદ પણ પ્રતિબિંબિત થાય છે.
ત્રણેય ફોર્મેટમાં બુમરાહની રેન્કિંગ
જસપ્રીત બુમરાહ 879 રેટિંગ સાથે ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર છે, પરંતુ તે ODI રેન્કિંગમાં ટોપ-100 બોલર્સમાં પણ સામેલ નથી. આનું કારણ છે બુમરાહનો ODI ફોરમેટમાં ખૂબ ઓછી મેચ રમે છે. તેણે બે વર્ષથી ODI મેચ નથી રમી. તેની છેલ્લી ODI મેચ 2023માં અમદાવાદમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ટાઈટલ જીત્યું હતું. T20Iમાં બોલર રેન્કિંગની વાત કરીએ તો બુમરાહ તેમાં 18મા ક્રમે છે.

