'સપના સરળતાથી સાકાર નથી થતા...', તોફાની સદી ફટકારવા છતાં કેમ નિરાશ છે સરફરાઝ ખાન?

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાન ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. સરફરાઝ 2024-25 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમનો ભાગ હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક નહતી મળી. ત્યારબાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. સરફરાઝે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ નવેમ્બર 2024માં વાનખેડે સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે રમી હતી.
ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા પછી પણ સરફરાઝ ખાન ચર્ચામાં રહ્યો છે. સરફરાઝ ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે, જેનાથી ટીમ ઈન્ડિયામાં તેની વાપસીની આશા મજબૂત થઈ છે. વિજય હજારે ટ્રોફી 2025-26માં ગોવા સામે સરફરાઝે માત્ર 75 બોલમાં 157 રન બનાવ્યા, જેમાં 14 છગ્ગા અને 9 ચોગ્ગાનો સમાવેશ થાય છે, તેના કારણે મુંબઈએ 87 રનથી શાનદાર જીત મેળવી હતી.
આ મુંબઈની સતત ચોથી જીત હતી, જેનાથી ટીમ એલીટ ગ્રુપ Cમાં ટોપ પર છે. આ સાથે ગોવાનો જીત સિલસિલો તૂટી ગયો. સરફરાઝ ખાને સદી ફટકારી, જ્યારે તેના નાના ભાઈ મુશીર ખાને 60 રન બનાવ્યા. સરફરાઝ તેના ભાઈની સદી પૂરી ન થવાથી થોડો નિરાશ થયો હતો. સરફરાઝનું આપનું છે કે તે અને તેનો નાનો ભાઈ મુશીર એક જ મેચમાં સદી ફટકારે.
મને લાગ્યું કે સપનું પૂરું થઈ જશે: સરફરાઝ
સરફરાઝ ખાને કહ્યું, "અમારા બંનેનું એક જ મેચમાં સદી ફટકારવાનું સપનું છે. અમે રણજી ટ્રોફીમાં નજીક આવ્યા હતા અને ગયા અઠવાડિયે પણ એવું જ થયું, પરંતુ બંને 50 રનની આસપાસ આઉટ થયા. મુશીર એટલી સારી બેટિંગ કરી રહ્યો હતો કે મને લાગ્યું કે મારું સપનું પૂરું થઈ જશે, પરંતુ સપના આટલી સરળતાથી સાકાર નથી થતા."
સરફરાઝ ખાને આગળ કહ્યું, "જ્યારે હું બેટિંગ કરવા આવ્યો ત્યારે રન રેટ ખૂબ ઊંચી નહતી, પરંતુ ઓપનર્સે પહેલા કલાકમાં મુશ્કેલ પરિસ્થિતિઓને સારી રીતે સંભાળી હતી. સવારે બોલ થોડો ફરે છે, તેથી શરૂઆતમાં સાવધ રહેવું મહત્ત્વપૂર્ણ હતું. જેમ જેમ પિચ હળવી થતી ગઈ, મેં એટેક કરવાનું શરૂ કર્યું. યોજના સ્પષ્ટ હતી, શક્ય હોય તેટલો મોટો ટાર્ગેટ આપવો." સરફરાઝે તે પણ જણાવ્યું કે મજબૂત શરૂઆતથી તે મુક્તપણે રમી શક્યો.
તેણે વધુમાં જણાવ્યું, "જ્યારે હું ક્રીઝ પર આવ્યો ત્યારે મુશીર ખૂબ સારી બેટિંગ કરી રહ્યો હતો. તે સૌથી પહેલા 50 રન બનાવનાર પહેલો બેટ્સમેન હતો. મેં ઘણું ODI ક્રિકેટ રમ્યું છે અને મને ખબર છે કે ઈનિંગ કેવી રીતે બનાવવી. હું સ્વીપ અને કટ શોટ્સમાં સારો છું. આ ફોર્મેટમાં, ફક્ત પાંચ ફિલ્ડર્સ બહાર હોય છે, જેના કારણે મને મારા શોટ રમવાની સ્વતંત્રતા મળે છે."
ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા પછી સરફરાઝ ખાને પોતાની ફિટનેસ પર સખત મહેનત કરી અને ઘણું વજન ઘટાડ્યું. આમ છતાં, વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટે તેની અવગણના કરવામાં આવી, જેના કારણે પસંદગી નીતિ પર પ્રશ્નો ઉભા થયા. અત્યાર સુધી, સરફરાઝે ભારત માટે 6 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 37.10ની એવરેજથી 371 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટમાં એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે.

