ટૂંક સમયમાં ODI ટીમમાં પાછો ફરી શકે છે મોહમ્મદ શમી, BCCIએ બનાવી લીધો છે પ્લાન!

બંગાળનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ભારતીય ODI ટીમમાં પાછો ફરે તેવી શક્યતા છે. તેની ટીમને વિશ્વાસ છે કે તે 11 જાન્યુઆરીથી શરૂ થતી ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની સિરીઝમાં વાપસી કરશે. શમી લગભગ એક વર્ષથી ભારતીય ટીમની બહાર છે. રાઈટ આર્મ ફાસ્ટ બોલર છેલ્લે માર્ચ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં ભારત માટે રમ્યો હતો.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં ખરાબ પ્રદર્શન અને ફિટનેસની ચિંતા વ્યક્ત કરતા તેને ઈંગ્લેન્ડ પ્રવાસ પર થનારી ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં જગ્યા નહતી મળી. સિલેક્ટર્સે સ્પષ્ટતા કરી હતી કે શમીએ ઘરેલુ ક્રિકેટના માધ્યમથી લય અને ફિટનેસ હાંસલ કરવાની જરૂર રહેશે, ત્યારે જ તેને તક આપવામાં આવી શકે છે.
સિલેક્શન કમિટીના અધ્યક્ષ અજિત અગરકરે તે સમયે કહ્યું હતું કે, "તે ટેસ્ટ સિરીઝ માટે ફિટ થવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મને નથી લાગતું કે તે હાલમાં પાંચ ટેસ્ટ રમવા માટે સંપૂર્ણપણે ફિટ છે. મને નથી લાગતું કે તેની ફિટનેસ તે સ્તર પર છે જે હોવી જોઈએ."
ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન
ત્યારથી શમી ઘરેલુ ક્રિકેટ સર્કિટમાં પાછો ફર્યો છે. તેણે રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર બોલિંગ કરી. આમ છતાં T20I ટીમમાં તેની વાપસીની કોઈ શક્યતા નથી. શમી વિજય હજારે ટ્રોફીમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે, તેણે 4 મેચમાં 8 વિકેટ લીધી છે. વિજય હજારે ટ્રોફીમાં અત્યાર સુધી રમાયેલી 4 મેચમાંથી 3માં તેની બોલિંગે બંગાળની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
એક અહેવાલ મુજબ શમી પડદા પાછળ સખત મહેનત કરી રહ્યો છે અને ODI ટીમમાં પાછા ફરવાની આશા રાખે છે. જોકે, તેણે એમ પણ કહ્યું કે ફાસ્ટ બોલરને હજુ સુધી તેની પસંદગી અંગે કોઈ સત્તાવાર માહિતી નથી મળી.
ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ માટે સ્કવોડની જાહેરાત 3 કે 4 જાન્યુઆરીએ થવાની શક્યતા છે. ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે 3 ODI અને 5 T20I મેચ રમશે. T20I સિરીઝ માટે ભારતીય સ્કવોડની જાહેરાત થઈ ચૂકી છે.

