VIDEO: IPLમાં ખેલાડીઓની સુરક્ષામાં ફરી મોટી ચૂક, વિરાટ કોહલીને મળવા મેદાનમાં ઘૂસી ગયો દર્શક
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની 19મી મેચ રોમાંચક રહી હતી. આ મેચમાં ર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની 19મી મેચ રોમાંચક રહી હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR)એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને 6 વિકેટે હરાવ્યું. શનિવારે (6 એપ્રિલ) જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાનને જીતવા માટે 184 રનનો ટાર્ગેટ હતો, જે તેણે પાંચ બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ ટીમ હવે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.
ખેલાડીઓની સુરક્ષામાં વધુ એક ચૂક
આ મેચમાં ખેલાડીઓની સુરક્ષામાં વધુ એક ચૂક જોવા મળી હતી. મેચ દરમ્યાન એક યુવા પ્રશંસક વિરાટ કોહલીને મળવા મેદાનની વચ્ચે આવી પહોંચ્યો હતો. તે પ્રશંસકે RCBની ટી- શર્ટ પહેરી હતી, જેની પાછળ વિરાટ કોહલીનું નામ અને જર્સી નંબર લખેલ હતો. તે ફેન કોહલીને ગળે લગાવતો પણ જોવા મળ્યો હતો. જોકે, તરત જ સુરક્ષાકર્મીઓ મેદાનમાં દોડી આવ્યા હતા અને પ્રશંસકને ગ્રાઉન્ડમાંથી બહાર કાઢ્યો હતો.
જો જોવામાં આવે તો આ સિઝનમાં ત્રીજી વખત ખેલાડીઓની સુરક્ષામાં ચૂક જોવા મળી છે. 1 એપ્રિલના રોજ વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન એક દર્શક મેદાનમાં ઘૂસી ગયો અને રોહિત શર્મા અને ઈશાન કિશન સુધી પહોંચી ગયો. રોહિત સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો અને ઈશાન વિકેટ કીપિંગ કરી રહ્યો હતો. અચાનક તેમની પાછળ બહારના વ્યક્તિને જોઈને પહેલા રોહિત અને પછી ઈશાન ડરી ગયા હતા, આ પછી સુરક્ષાકર્મીઓ આવ્યા અને દર્શકને પકડીને મેદાનની બહાર લઈ ગયા.






