INDvsSL: 27 વર્ષે શ્રેણી ગુમાવવાનો ભય, રોહિત- વિરાટ આ વર્ષમાં આજે છેલ્લી વખત વાદળી જર્સીમાં જોવા મળશે
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વન ડે મેચ બુધવારે (7 ઓગસ્ટ) કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. ભારત અને શ્રી

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વન ડે મેચ બુધવારે (7 ઓગસ્ટ) કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ ટાઈ રહી હતી, પરંતુ બીજી મેચમાં શ્રીલંકન ટીમે શાનદાર પ્રદર્શન કરીને ભારતને 34 રને હરાવીને શ્રેણીમાં આગળ છે. ભારતીય બેટ્સમેનો સતત બીજી મેચમાં રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા સિવાય અન્ય બેટ્સમેનો અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નહોતા.
ભારતીય ટીમ સતત બે મેચમાં ટાર્ગેટ સુધી પહોંચ્યા પહેલા જ ઓલઆઉટ થઈ ગઈ છે. મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની આ પ્રથમ વનડે શ્રેણી છે. તેમાં હાર સાથે કારકિર્દીની નવી શરૂઆતને સ્વિકારશે નહીં. ભારતને છેલ્લે 1997માં શ્રીલંકા સામે વનડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે અર્જુન રણતુંગાની આગેવાની હેઠળની ટીમે સચિન તેંડુલકરની આગેવાનીવાલી ભારતીય ટીમને ત્રણેય મેચોમાં હરાવી હતી. હવે 27 વર્ષ બાદ ભારત માથે શ્રીલંકા સામેની શ્રેણી હારવાનો ખતરો છે. 1997 થી ભારત અને શ્રીલંકા વચ્ચે 11 વનડે શ્રેણી રમાઈ છે, એ તમામમાં ભારતીય ટીમ વિજયી રહી હતી.
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી વર્ષ 2024માં 7મી ઓગસ્ટે એટલે કે આજે છેલ્લી વખત ભારતીય ટીમ માટે બ્લુ જર્સીમાં રમતા જોવા મળશે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા આ બે દિગ્ગજો માટે આ વર્ષની છેલ્લી વન ડે ઈન્ટરનેશનલ મેચ હશે. શ્રીલંકા સામે ચાલી રહેલી ત્રણ મેચની વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણીની છેલ્લી મેચ આ વર્ષ માટે રોહિત અને વિરાટ માટે છેલ્લી સફેદ બોલની મેચ હશે.
ભારતીય ટીમ 2024માં લગભગ અડધો ડઝન T20 ઈન્ટરનેશનલ મેચ રમવા જઈ રહી છે, પરંતુ 2024માં કોઈ વન ડે સિરીઝ નક્કી કરવામાં આવી નથી. ટી20 સીરીઝ ઉપરાંત આ વર્ષે માત્ર ટેસ્ટ સીરીઝ રમશે. વિરાટ અને રોહિતે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે, તેથી તેઓ વાદળી જર્સીમાં નહીં રમે, કારણ કે વન ડેની આંતરરાષ્ટ્રીય મેચો નિર્ધારિત નથી. બંને દિગ્ગજ માત્ર સફેદ જર્સીમાં જ જોવા મળશે. ભારતને આગામી કેટલાક મહિનામાં 9 ટેસ્ટ રમવાની છે.






