IND vs SA / 18 મેચનો અતૂટ સિલસિલો ખતમ, ભારતીય ટીમને અમદાવાદના મેદાન પર ફરી એકવાર લાગ્યો ઝટકો

ભારતીય ટીમને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 સુપર-8ની પોતાની પહેલી મેચમાં સાઉથ આફ્રિકા સામે 76 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની આ 76 રનની હાર વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી મોટી હાર છે. રનની દૃષ્ટિએ આ પહેલાની સૌથી મોટી હાર T20 વર્લ્ડ કપ 2010માં બ્રિજટાઉનમાં 49 રનથી મળી હતી.
આટલું જ નહીં, સાઉથ આફ્રિકાએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ સુપર-8 મેચમાં ભારતનો 18 મેચનો અતૂટ સિલસિલો સમાપ્ત કરી દીધી. ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે તે જ મેદાન પર હાર્યા બાદ ICC ટુર્નામેન્ટની છેલ્લી 18 મેચોમાં ભારતની આ પહેલી હાર છે.
અમદાવાદમાં ભારતની જીતનો સિલસિલો તૂટ્યો
ભારતીય ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલ પછી ICC ટુર્નામેન્ટમાં એક પણ મેચ નહતી હારી. આ સિલસિલો હવે સમાપ્ત થઈ ગયો છે. તે વર્લ્ડ કપ ફાઈનલમાં હાર બાદ ટીમ ઈન્ડિયા 2024ના T20 વર્લ્ડ કપમાં અપરાજિત રહી હતી અને ટાઈટલ જીત્યું હતું.
તે હાર બાદ ભારતે એક પણ મેચ હાર્યા વિના 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. ભારતીય ટીમે 2026ના T20 વર્લ્ડ કપની પહેલી ચાર મેચ જીતી અને સુપર-8માં જગ્યા મેળવી હતી. જોકે, સતત 18 મેચ જીત્યા પછી સાઉથ આફ્રિકાએ 19મી મેચમાં તે જ મેદાન પર ભારતને હરાવીને તેની જીતનો સિલસિલો તોડ્યો.
આ જીત સાથે સાઉથ આફ્રિકાએ T20 ક્રિકેટમાં ભારતીય ટીમના શાસનનો પણ અંત લાવી દીધો છે. મલ્ટીનેશનલ T20 ટુર્નામેન્ટમાં ભારતની છેલ્લી હાર T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હતી. ત્યારથી, ભારતીય ટીમે આ ફોર્મેટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે, માત્ર ટીમે T20 વર્લ્ડ કપ 2024 જ નહીં પરંતુ એશિયા કપ 2025 પણ એક પણ મેચ હાર્યા વિના જીત્યો હતો. 2022ની સેમિફાઇનલ પછી ભારતે મલ્ટીનેશનલ ટુર્નામેન્ટમાં 23 મેચ રમી છે, જેમાં 21 જીતી છે, એક સાઉથ આફ્રિકા સામે હારી અને એકમાં કોઈ પરિણામ નહતું આવ્યું.
ભારતે સાઉથ આફ્રિકા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો
સાઉથ આફ્રિકાના 188 રનનો ટાર્ગેટ ચેઝ કરતા ભારત 18.5 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, યાનસન (4/22), કેશવ મહારાજ (3/24) અને કોર્બિન બોશ (2/12) ની શાનદાર બોલિંગે ભારતને આટલા ઓછા સ્કોર પર અટકાવ્યું. યજમાન ટીમ માટે ફક્ત શિવમ દુબે (42 રન) એ 20 રનનો આંકડો પાર કર્યો હતો.

