IND vs AUS / સિડની ટેસ્ટમાં મુશ્કેલીમાં ભારત, પ્રથમ ઈનિંગમાં 185 રનમાં ઓલઆઉટ, બોલેન્ડે લીધી 4 વિકેટ
સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં 185 રનમાં સમેટાઈ ગઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ

સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં 185 રનમાં સમેટાઈ ગઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે તેમના માટે બિલકુલ યોગ્ય સાબિત નથી થયો. ભારતીય બેટ્સમેનો પર ઓસ્ટ્રેલિયન બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી સ્કોટ બોલેન્ડે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જ્યારે ટીમ ઈન્ડિયા માટે રિષભ પંતે સૌથી મોટી ઈનિંગ રમી અને 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ જીતાડ્યાને 6 મહિના બાદ આવ્યા રોહિત શર્માના ખરાબ દિવસો, કેપ્ટન જ ટીમમાંથી બહાર
આ મેચમાં ટીમ ઈન્ડિયાએ નિયમિત કેપ્ટન રોહિત શર્માને પડતો મુકવાનો નિર્ણય લીધો હતો. રોહિતની જગ્યાએ શુભમન ગિલને પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનાવવામાં આવ્યો હતો. જોકે ગિલ વધારે કંઈ ન કરી શક્યો. તેણે 2 ચોગ્ગાની મદદથી માત્ર 20 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહ આ મેચમાં ભારતની આગેવાની કરી રહ્યો છે.
પ્રથમ સેશનમાં ટોપ ઓર્ડર ફેલ
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયા સારી શરૂઆત ન કરી શકી. ટીમે 11 રનના સ્કોર પર કેએલ રાહુલના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. રાહુલ માત્ર 04 રન બનાવીને પવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ ટીમને 17 રનના સ્કોર પર યશસ્વી જયસ્વાલના રૂપમાં બીજો ઝટકો લાગ્યો હતો. જયસ્વાલે 1 ચોગ્ગાની મદદથી 10 રન બનાવ્યા હતા. ત્યારબાદ ટીમને ત્રીજો ઝટકો 57 રનના સ્કોર પર શુભમન ગિલના રૂપમાં લાગ્યો હતો. ગિલે 2 ચોગ્ગાની મદદથી 20 રન બનાવ્યા હતા. આ રીતે પ્રથમ સેશનમાં જ ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર પવેલિયન પરત ફર્યો હતો.
ટોપ ઓર્ડર પવેલિયન પરત ફર્યા બાદ કોઈપણ ખેલાડી ટીમને સ્થિરતા નહોતો આપી શક્યો. ટીમને ચોથો ઝટકો 72 રનના સ્કોર પર વિરાટ કોહલીના રૂપમાં લાગ્યો હતો. કોહલી 17 રનની ઈનિંગ રમીને પવેલિયન પરત ફર્યો હતો. આ પછી પાંચમી વિકેટ 120 રન પર પડી. પંતે 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા. પછીના બોલ પર નીતીશ રેડ્ડી ગોલ્ડન ડક પર પવેલિયન પરત ફર્યો.
આ પછી ટીમને સાતમો ઝટકો રવિન્દ્ર જાડેજાના રૂપમાં 137 રન પર, આઠમો ઝટકો 148 રન પર વોશિંગ્ટન સુંદરના રૂપમાં, નવમો ઝટકો 168 રન પર પ્રસિદ્ધ કૃષ્ણના રૂપમાં અને દસમો ઝટકો 185 રન પર બુમરાહના રૂપમાં લાગ્યો હતો. જાડેજાએ 3 ચોગ્ગાની મદદથી 26 રન, સુંદરે 3 ચોગ્ગાની મદદથી 14 રન, ક્રિષ્નાએ 03 રન અને બુમરાહે 3 ચોગ્ગાની મદદથી 22 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયન બોલિંગ
ઓસ્ટ્રેલિયા તરફથી ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે 3 વિકેટ લીધી હતી. બાકીની 2 વિકેટ કેપ્ટન પેટ કમિન્સ અને 1 સ્પિનર નાથન લિયોને લીધી હતી.
ઓસ્ટ્રેલિયાની ઈનિંગ શરૂ
સિડની ટેસ્ટનો પહેલો દિવસ સમાપ્ત થઈ ગયો છે. પ્રથમ ઈનિંગ રમવા આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 1 વિકેટ ગુમાવીને 9 રન બનાવ્યા છે. ઉસ્માન ખ્વાજા 10 બોલમાં 2 રન બનાવીને પરત પવેલિયન ફર્યો છે. ભારત તરફથી બુમરાહે વિકેટ લીધી હતી.








