T20 વર્લ્ડ કપમાંથી બહાર થતા જ એશિયન ગેમ્સ 2026 માટે જાહેર થઈ ભારતીય ટીમ, હરમનપ્રીત સંભાળશે કમાન

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયા બાદ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાસે હવે પોતાને સાબિત કરવાનો નવો પડકાર છે. આ સંદર્ભમાં, BCCIએ સપ્ટેમ્બર 2026માં જાપાનના આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી છે. આ વખતે, ટીમનું લક્ષ્ય સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીતવાનું રહેશે. તાજેતરમાં, T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું અભિયાન નિરાશાજનક રીતે સમાપ્ત થયું. ટીમ ગ્રુપ સ્ટેજમાં પાંચ મેચમાંથી ત્રણમાં જ જીત મેળવી શકી. ભારતીય ટીમને ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો.
સતત બીજા ગોલ્ડ મેડલ પર નજર
ભારતીય મહિલા ટીમે ચીનના હાંગઝોઉમાં યોજાયેલી છેલ્લી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં, ટીમ આ વખતે ટાઈટલ બચાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. સ્મૃતિ મંધાનાને ટીમની વાઈસ-કેપ્ટન બનાવવામાં આવી છે.
વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન છતાં, પસંદગીકારોએ અનુભવી ખેલાડીઓ પર વિશ્વાસ જાળવી રાખ્યો છે. શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા અને વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. યુવા વિકેટકીપર-બેટ્સમેન જી. કમલિની પણ ટીમનો ભાગ રહેશે. જોકે, વિકેટકીપર-બેટ્સમેન યાસ્તિકા ભાટિયાને ટીમમાંથી બહાર કરવામાં આવી છે. યાસ્તિકાના સ્થાને જી. કમલિનીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયા સામે ગોલ્ડ મેડલ બચાવવાનો પડકાર
રેણુકા ઠાકુર, અરુંધતી રેડ્ડી, રાધા યાદવ, શ્રી ચારણી અને ક્રાંતિ ગૌડને બોલિંગ વિભાગમાં સામેલ કરવામાં આવ્યા છે. ઓલરાઉન્ડર શ્રેયંકા પાટિલને ફિટનેસ ક્લિયરન્સને આધીન ટીમમાં સામેલ કરવામાં આવી છે. ભારતી ફુલમાલી અને નંદની શર્મા પણ 15 સભ્યોની ટીમનો ભાગ છે. T20 વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ એશિયન ગેમ્સ ભારતીય મહિલા ટીમ માટે આત્મવિશ્વાસ પાછો મેળવવા અને ટાઈટલની દાવેદારીમાં પાછા ફરવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ સાબિત થઈ શકે છે. ભારત ડિફેન્ડિંગ ગોલ્ડ મેડલ વિજેતા છે, તેથી ટીમ આ વખતે ગોલ્ડ મેડલ જાળવી રાખે તેવી અપેક્ષા રાખવામાં આવશે.
એશિયન ગેમ્સ 2026 માટે ભારતની મહિલા ક્રિકેટ ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની (વિકેટકીપર), ભારતી ફુલમાલી, શ્રી ચારણી, રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌડ, અરુંધતી રેડ્ડી, શ્રેયંકા પાટિલ, રાધા યાદવ અને નંદિની શર્મા.

