ટેસ્ટ અને ODI મેચ માટે જાહેર થઈ ભારતીય ટીમ, ઘણા નવા ચહેરાની એન્ટ્રી; રોહિત-વિરાટની પણ વાપસી

ભારતમાં હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ પૂરજોશમાં ચાલી રહી છે. IPL 2026ની ફાઈનલ મેચ 31 મેના રોજ રમાશે. આ પછી ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ જૂનમાં ટેસ્ટ અને ODI સિરીઝ રમતી જોવા મળશે, જેના માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
ભારતીય ટીમ જૂનમાં અફઘાનિસ્તાનની યજમાની કરશે. બંને ટીમો એક ટેસ્ટ મેચ અને ત્રણ મેચની ODI મેચની સિરીઝ રમશે. પુમેન્સ સિલેક્શન કમિટી 19 મેના રોજ ગુવાહાટીમાં મળી હતી, જ્યાં ટેસ્ટ અને ODI બંને માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી હતી. એકમાત્ર ટેસ્ટ 6 જૂને મુલ્લાનપુરમાં શરૂ થશે, જેના માટે 14 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
નોંધનીય છે કે 2018 પછી ભારત સામે આ અફઘાનિસ્તાનની પહેલી ટેસ્ટ મેચ હશે. 2018માં, અફઘાનિસ્તાને બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રથમ વખત સત્તાવાર રીતે ટેસ્ટ મેચમાં ભાગ લીધો હતો. ભારતે તે મેચ એક ઈનિંગ અને 262 રનથી જીતી હતી.
વિરાટ અને રોહિતના સ્થાનો જાળવી રાખ્યા
અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝ માટે 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં વિરાટ અને રોહિત શર્માનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે ભારતની ODI ટીમમાંથી રિષભ પંતને બહાર કરવામાં આવ્યો છે. દરમિયાન, કેએલ રાહુલને ટેસ્ટ ટીમનો વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પંતે અગાઉ ટેસ્ટ ટીમમાં વાઈસ-કેપ્ટન પદ સંભાળ્યું હતું. જોકે, પંત ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો. સ્ટાર બોલર મોહમ્મદ શમીને ફરી એકવાર અવગણવામાં આવ્યો હતો. અજિત અગરકરે સ્પષ્ટપણે જણાવ્યું છે કે સિલેક્શન કમિટીએ મોહમ્મદ શમીના નામ પર ચર્ચા પણ નથી કરી.
બુમરાહને આરામ આપવામાં આવ્યો
ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા તેના કાર્યભારને સંભાળવા માટે ભારતના અનુભવી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને અફઘાનિસ્તાન સામેની આખી સિરીઝણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. બંને ટીમોમાં માનવ સુથાર, હર્ષ દુબે, ગુરનુર બરાર અને પ્રિન્સ યાદવ સહિત ઘણા નવા ચહેરાઓ છે. માનવ સુથારને પહેલીવાર ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ગુરનુર બરાર અને હર્ષ દુબેએ બંને ટીમોમાં સ્થાન મેળવ્યું છે. દરમિયાન, પ્રિન્સ યાદવને પહેલીવાર ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાનના ભારત પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ
- જૂન 6-10: ટેસ્ટ, ન્યૂ ચંદીગઢ (સવારે 9:30 વાગ્યે)
- જૂન 14: પ્રથમ ODI, ધર્મશાલા (બપોરે 1:30 વાગ્યે)
- જૂન 17: બીજી ODI, લખનૌ (બપોરે 1:30 વાગ્યે)
- જૂન 20: ત્રીજી ODI, ચેન્નાઈ (બપોરે 1:30 વાગ્યે)
અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), સાઈ સુદર્શન, રિષભ પંત, દેવદત્ત પડિક્કલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, માનવ સુથાર, ગુરનુર બરાર, હર્ષ દુબે, ધ્રુવ જુરેલ.
અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ, ગુરનુર બરાર, હર્ષ દુબે.

