ટૂર્નામેન્ટની વચ્ચે જ ભારતીય ખેલાડીએ કરી સંન્યાસની જાહેરાત, કહ્યું- 'મારો સમય પૂરો...'
સૌરાષ્ટ્રના સ્ટાર બેટ્સમેન શેલ્ડન જેક્સને તેની મર્યાદિત ઓવરોની ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહી દીધ

સૌરાષ્ટ્રના સ્ટાર બેટ્સમેન શેલ્ડન જેક્સને તેની મર્યાદિત ઓવરોની ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહી દીધું. નિવૃત્તિની આ જાહેરાત વિજય હજારે ટ્રોફીની વચ્ચે કરવામાં આવી હતી. જોકે, જેક્સન છેલ્લા કેટલાક સમયથી નિવૃત્તિ વિશે વિચારી રહ્યો હતો. તેણે 31 ડિસેમ્બરે પંજાબ સામે સૌરાષ્ટ્રની મેચ પહેલા ટીમ મેનેજમેન્ટને તેના નિર્ણય વિશે જાણ કરી હતી.
આ પણ વાંચો: 'હું ક્યાંય નથી જઈ રહ્યો...', નિવૃતિ પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જણાવ્યું- સિડનીમાં બહાર કેમ બેઠો?
જેક્સને આ સિઝનમાં પાંચ વન-ડે રમી હતી, જેમાં પુડુચેરી સામેની ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં બનાવેલા 71 રન તેનો હાઈએસ્ટ સ્કોર હતો. જેક્સને કહ્યું, "ટૂર્નામેન્ટ પહેલા પણ આ મારા મગજમાં હતું અને હું દરેક રમતમાં તેના વિશે વિચારતો રહ્યો, પરંતુ પંજાબની મેચ પહેલા મેં ટીમને આ વિશે કહ્યું, પરંતુ તેઓ ઈચ્છતા હતા કે હું રમતી વખતે વિદાય લઉં. તે તેમના તરફથી ખૂબ જ દયાળુ પગલું હતું અને હું તેમના આ પગલા માટે ખરેખર આભારી છું."
'મારો સમય પૂરો થઈ ગયો છે'
તેણે વધુમાં કહ્યું કે, "સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન સૌરાષ્ટ્રના યુવા ખેલાડીઓ જે રીતે રમ્યા તેનાથી મને ખાતરી થઈ ગઈ કે મારો સમય પૂરો થઈ ગયો છે. મને કોઈની જગ્યા રોકી રાખવી યોગ્ય ન લાગ્યું. 37-38 વર્ષની ઉંમરે, જો મેં 5000 રન બનાવ્યા હોત તો પણ હું નેશનલ ટીમમાં સ્થાન ન મેળવી શક્યો હોત. અથવા તેના બદલે, જો હું દસ વખત શૂન્ય પર આઉટ થયો હોત, તો સૌથી ખરાબ જે બન્યું હોત તે એ હતું કે હું રાજ્યની ટીમમાંથી બહાર થઈ ગયો હોત."
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે જગ્યા નહતી મળી
તમને જણાવી દઈએ કે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 ટૂર્નામેન્ટમાં સૌરાષ્ટ્રના પ્રદર્શનથી જેક્સનને ખાતરી થઈ ગઈ કે તેની રમત પૂરી થઈ ગઈ છે. સૌરાષ્ટ્રે ગ્રુપ સ્ટેજની સાતમાંથી છ મેચ જીતીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જેક્સન સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કોઈપણ મેચમાં નહતો જોવા મળ્યો. એવું માનવામાં આવે છે કે ટીમ મેનેજમેન્ટ યુવા ખેલાડીઓને તક આપવા માટે ઉત્સુક હતું.






