ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી ભારતની ODI સ્કવોડમાં થયા ફેરફાર, બે વર્ષ બાદ ટીમમાં પરત ફર્યા આ ખેલાડી

સાઉથ આફ્રિકા સામે 30 નવેમ્બરથી શરૂ થતી ત્રણ મેચની ODI સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. આ ODI સિરીઝમાં કેએલ રાહુલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. નિયમિત કેપ્ટન શુભમન ગિલ ગરદનની ઈજાને કારણે પસંદગી માટે ઉપલબ્ધ નહતો, જ્યારે શ્રેયસ અય્યર પણ ઈજાને કારણે થોડા મહિનાઓ માટે ક્રિકેટથી બહાર રહેશે. આ કારણે વિકેટકીપર-બેટ્સમેન રાહુલને ટીમની કમાન સોંપવામાં આવી છે.
ભારતીય ટીમે ગયા મહિને ઓસ્ટ્રેલિયા સામે તેની ધરતી પર ODI સિરીઝ રમી હતી. શુભમન ગિલના નેતૃત્વ હેઠળ, ટીમ ઈન્ડિયાને ત્રણ મેચની ODI સિરીઝમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ODI ટીમનો ભાગ રહેલા ચાર ખેલાડીઓ સાઉથ આફ્રિકા સામેની આગામી ODI સિરીઝનો ભાગ નહીં હોય.
આમાં શુભમન ગિલ, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે. શુભમન અને શ્રેયસ ઈજાને કારણે ટીમમાંથી બહાર રહેશે. જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને વર્કલોડ મેનેજમેન્ટના ભાગ રૂપે આરામ આપવામાં આવ્યો છે. આ સિવાય લેફ્ટ આર્મ ઓલરાઉન્ડર અક્ષર પટેલને પણ બહાર કરવામાં આવ્યો છે.
લાંબા સમય બાદ ઋતુરાજ અને તિલકની વાપસી
આ ચારેયની જગ્યાએ, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, રવિન્દ્ર જાડેજા અને રિષભ પંતને ODI ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. ઋતુરાજે ભારત માટે પોતાની છેલ્લી ODI 19 ડિસેમ્બર, 2023ના રોજ સાઉથ આફ્રિકા સામે ગકેબરહામાં રમી હતી. તિલક વર્માએ 21 ડિસેમ્બર, 2023ના રોજ પાર્લમાં આ જ ટીમ સામે પોતાની છેલ્લી ODI રમી હતી. હવે, બંને ખેલાડીઓ લગભગ બે વર્ષ પછી ODI ટીમમાં પાછા ફર્યા છે.
રિષભ પંત અને રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો તે બંને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી પહેલીવાર ભારતની ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે પંતને ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક પણ મેચ રમવાની તક નહતી મળી, પરંતુ પંતને ODI ટીમમાં બીજી પસંદગીના વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. પંતે છેલ્લે 7 ઓગસ્ટ, 2024ના રોજ કોલંબોમાં શ્રીલંકા સામે ODI મેચ રમી હતી. સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરાયેલા બાકીના 11 ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ODI સિરીઝનો પણ ભાગ હતા.
કેએલ રાહુલ માટે કેપ્ટનશિપ કંઈ નવી નથી. રાહુલે અગાઉ ODI મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે. રાહુલની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયાએ 12માંથી આઠ ODI મેચ જીતી હતી, જ્યારે 4માં હારનો સામનો કરવો પડ્યો હતો.
સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝ માટે ભારતીય ટીમ
કેએલ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નીતીશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, ઋતુરાજ ગાયકવાડ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદિપ સિંહ અને ધ્રુવ જુરેલ.
ઓસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝ માટે આવી હતી ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, યશસ્વી જયસ્વાલ અને અર્શદિપ સિંહ.

