ભારતીય ફૂટબોલ સ્ટાર સુનીલ છેત્રીએ કરી રિટાયરમેન્ટની જાહેરાત, કુવૈત સામે રમશે છેલ્લી મેચ
ભારતીય ફૂટબોલ સ્ટાર સુનીલ છેત્રીએ આજે (ગુરુવારે) સવારે રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. છેત્રીએ સોશિયલ

ભારતીય ફૂટબોલ સ્ટાર સુનીલ છેત્રીએ આજે (ગુરુવારે) સવારે રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. છેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો અને જાહેરાત કરી કે તેણે રમતને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. તેણે વીડિયો શેર કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. છેત્રીએ કહ્યું કે 6 જૂને કુવૈત સામેની ફિફા વર્લ્ડ કપ ક્વોલિફિકેશન મેચ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ હશે.
છેત્રીએ વીડિયોમાં જણાવ્યું કે, જ્યારે તેણે તેના પરિવારને આ વિશે જણાવ્યું તો તેઓ પણ ભાવુક થઈ ગયા. તેણે કહ્યું, 'મેં પહેલા મારા માતા-પિતા અને પત્નીને આ નિર્ણય વિશે જણાવ્યું. મારા પિતા ખુશ હતા પણ મારી માતા અને પત્ની રડવા લાગ્યા. મેં તેમને કહ્યું કે તમે હંમેશા મને કહેતા હતા કે મને રમતા જોઈને તમે ખૂબ પ્રેશર અનુભવતા હતા પરંતુ હવે એવું નહીં થાય. હું ભારત માટે ફરી ક્યારેય નહીં રમું તો તમે કેમ રડો છો? તેમની પાસે આનો કોઈ જવાબ નહોતો.'
પાકિસ્તાન સામે રમી હતી પહેલી મેચ
સુનીલ છેત્રીએ 12 જૂન 2005ના રોજ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ કરિયરની શરૂઆત કરી હતી. તેણે પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમી હતી. તેણે આ મેચમાં જ પોતાનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ પણ કર્યો હતો. છેત્રીએ તેની શાનદાર કારકિર્દીમાં છ વખત AIFF પ્લેયર ઓફ ધ યર એવોર્ડ જીત્યો હતો. આ સિવાય તેમને 2011માં અર્જુન એવોર્ડ અને 2019માં પદ્મશ્રી પણ આપવામાં આવ્યો છે.






