યુવરાજ સિંહ-શિખર ધવન અને સુરેશ રૈના સહિતના ખેલાડીઓ પર ભડક્યા ફેન્સ, પૂછ્યું- 'હવે તમારી દેશભક્તિ ક્યાં ગઈ?'

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) 2025ની શરૂઆત 18 જુલાઈથી થઈ ગઈ છે અને તેમાં ઈન્ડિયા ચેમ્પિયન્સ ટીમ પણ ભાગ લઈ રહી છે. આ સિઝનમાં ફરી એકવાર યુવરાજ સિંહની કેપ્ટનશિપ હેઠળ આ ટીમ પોતાના ખિતાબને ડિફેન્ડ કરવા માટે મેદાનમાં ઉતરશે. ભારત આ લીગની પહેલી સિઝનમાં ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ચેમ્પિયન બન્યું હતું.
હવે આ સિઝનમાં ઈન્ડિયાની પ્રથમ મેચ 20 જુલાઈના રોજ પાકિસ્તાન સાથે છે, પરંતુ તે પહેલા વિવાદ છેડાઈ ગયો છે. પાકિસ્તાન સામે મેચ પહેલા ઈન્ડિયા ચેમ્પિયન્સ માટે રમી રહેલા ખેલાડીઓ પર ક્રિકેટ ફેન્સ ભડક્યા છે અને સોશિયલ મીડિયા પર ખેલાડીઓને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
ભારતીય ખેલાડીઓને ટ્રોલ કરી રહ્યા છે ફેન્સ
થોડા મહિના પહેલા પહલગામ આતંકવાદી હુમલામાં 26 ભારતીય નાગરિકોની હત્યા કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે. આ ઘટના પછી ભારતે ઘણા કડક પગલાં લીધાં અને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ઓપરેશન સિંદૂર હેઠળ હુમલા કરવામાં આવ્યા હતા. ભારતે પાકિસ્તાન સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા, પરંતુ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
'હવે તમારી દેશભક્તિ ક્યાં ગઈ?'
સોશિયલ મીડિયા પર આ મેચ પહેલા ભારતના કેપ્ટન યુવરાજ સિંહ, સુરેશ રૈના, શિખર ધવન, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ જેવા ખેલાડીઓને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે અને તેમની દેશભક્તિ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે "હવે તમારી દેશભક્તિ ક્યાં ગઈ?" યુઝર્સનું માનવું છે કે પાકિસ્તાન સામે રમવું એ દેશ સાથે ગદ્દારી છે, જ્યારે કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે, "જો તમે પાકિસ્તાન સાથે રમી રહ્યા છો તો દેશમાં પાછા ન ફરતા." લોકો BCCI પાસે પણ આ મેચ રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે.

