'એમએસ ધોની મને પસંદ નહતા કરતા, કેટલાક ખેલાડીઓ...', ભારતીય ક્રિકેટરે કર્યો ચોંકાવનારો ખુલાસો

એમએસ ધોનીની ગણતરી માત્ર ભારતીય ક્રિકેટ જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટના મહાન કેપ્ટનોમાં થાય છે. તે અત્યાર સુધી એકમાત્ર કેપ્ટન છે જેની કેપ્ટનશિપ હેઠળ કોઈ ટીમે ત્રણેય ICC ટ્રોફી (T20 વર્લ્ડ કપ, ODI વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી) જીતી છે. ધોનીને એવા કેપ્ટન તરીકે ઓળખવામાં આવે છે જે પોતાના ખેલાડીઓને સપોર્ટ કરે છે. પરંતુ બંગાળના એક અનુભવી ખેલાડીએ ધોની પર ભેદભાવનો આરોપ લગાવ્યો છે.
આ ખેલાડી ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારી છે. મનોજ તિવારી બંગાળના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક ગણાય છે. તે માને છે કે ધોનીના ભેદભાવને કારણે તેને ભારતીય ટીમમાં પૂરતી તકો નહતી મળી અને તેથી જ તે દેશ માટે વધુ ન રમી શક્યો.
સતત સારું પ્રદર્શન કર્યું
વર્ષ 2011માં, વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત આવી હતી. આ દરમિયાન તિવારીએ પાંચમી ODI મેચમાં શાનદાર સદી ફટકારી અને ટીમને જીત અપાવવામાં મદદ કરી હતી. તેણે જુલાઈ 2012માં તેની આગામી ODI રમી અને ચાર વિકેટ લઈને ટીમને જીત અપાવી હતી. તિવારીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેણે ધોની પર પક્ષપાતી વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો.
તેણે કહ્યું, "દરેકને ધોની ગમે છે. તેમણે પોતાની કેપ્ટનશિપથી પોતાને સાબિત કર્યા છે. હું હંમેશા કહું છું કે તેમની લીડરશિપ ક્વોલિટી ઉત્તમ હતી. પરંતુ મારા કિસ્સામાં, મને ખબર નથી, ફક્ત તેઓ જ આનો જવાબ આપી શકે છે, પરંતુ મને લાગે છે કે કેટલાક ખેલાડીઓ એવા હતા જેમને તેઓ ખૂબ પસંદ કરતા હતા અને તેમને સંપૂર્ણ સપોર્ટ આપતા હતા."
તેણે કહ્યું, "દરેક વ્યક્તિ આ જાણે છે પણ ખુલ્લેઆમ કહેતો નથી. તેથી, ક્રિકેટમાં દરેક જગ્યાએ પસંદ અને નાપસંદ હોય છે. તેથી, હું મારી જાતને એવા લોકોમાં માનું છું જેમને તેઓ પસંદ નહતોતા કરતા. તેઓ મને પસંદ નહતા કરતા."
સન્માન નથી મળ્યું
મનોજ તિવારીએ કહ્યું કે સતત સારું પ્રદર્શન કર્યા પછી પણ, તેને તે સન્માન મળ્યું નથી જે તે લાયક હતો. તેણે કહ્યું, "મને લાગે છે કે ધોની સિવાય, તત્કાલીન કોચ ડંકન ફ્લેચર અને સિલેક્ટર્સ આનો જવાબ આપી શકે છે. મને હજુ સુધી જવાબ નથી મળ્યો. મેં પહેલા પણ કહ્યું છે કે જ્યારે હું ધોની સામે આવીશ, ત્યારે હું ચોક્કસપણે તેમને પૂછીશ કે મને બહાર કરવાનું મુખ્ય કારણ શું હતું. 100 રન બનાવ્યા પછી પણ મને કેમ બહાર કરી દેવામાં આવ્યો હતો."

