રોહિત-વિરાટ કોહલી અને BCCIના કરોડો રૂપિયા ડૂબ્યા, ભારતીય ક્રિકેટને થયું ભારે નુકસાન

ભારત સરકારના એક નિર્ણયને કારણે ભારતીય ક્રિકેટ અને ક્રિકેટરોને મોટું નુકસાન થયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને વાર્ષિક 245 કરોડ, વિરાટ કોહલીનું 10થી 12 કરોડ, રોહિત શર્મા અને એમએસ ધોનીને 6થી 7 કરોડ રૂપિયાનું વાર્ષિક નુકસાન થયું છે. ભારત સરકારે રીયલ મની બેસ્ડ ગેમ્સ પર પ્રતિબંધ મુક્યો છે. એવામાં તમામ જાહેરાત કંપનીઓએ બંધ કરી દીધી છે. આ સિવાય ડઝનો ભારતીય ક્રિકેટરોને કેન્દ્ર સરકારના નવા આદેશને કારણે ભારે નુકસાન થયું છે.
BCCIને કરોડોનું નુકસાન
BCCIને વાર્ષિક 120 કરોડ રૂપિયા ડ્રીમ 11 (Dream11) પાસેથી મળતા હતા, જે ટીમ ઇન્ડિયાનું લીડ સ્પૉન્સર હતું. આ સિવાય IPLનું એસોસિએટ સ્પૉન્સર માય11 સર્કલ હતું જેની સાથે 125 કરોડ રૂપિયાની સિઝનની ડિલ હતી. આ રીતે 250 કરોડનું નુકસાન BCCIને થયું છે. BCCIને બીજા સ્પૉન્સર મળી જશે પરંતુ આ વખતે ડિલ આટલી મોંઘી કદાચ જોવા પણ ના મળે. એક રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલી, રોહિત શર્મા અને ધોનીને છોડીને બાકી ખેલાડીઓની ફી એટલી મોંઘી નહતી પરંતુ છતા પણ આ કરોડો રૂપિયા ચાર્જ કરતા હતા.
વિરાટ કોહલી-રોહિત શર્મા સહિતના ક્રિકેટરોને પણ કરોડોનું નુકસાન
વિરાટ કોહલીની વાત કરીએ તો મોબાઇલ પ્રીમિયર લીગ એટલે કે MPL સાથે 10થી 12 કરોડ રૂપિયાની ડિલ હતી જ્યારે રોહિત શર્માની 6થી 7 કરોડની બ્રાન્ડ ડિલ ડ્રીમ 11 સાથે હતી. એમએસ ધોનીને પણ 6થી 7 કરોડ રૂપિયા વિન્ઝો પાસેથી મળતા હતા.
રોહિત શર્મા સિવાય જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ, રિષભ પંત અને પંડ્યા બંધુ-હાર્દિક અને કૃણાલ પણ ડ્રીમ 11 સાથે જોડાયેલા હતા. ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ, મોહમ્મદ સિરાઝ, યશસ્વી જયસ્વાલ, રૂતુરાજ ગાયકવાડ, રિન્કુ સિંહ અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી My11Circle સાથે જોડાયેલા હતા. આ ક્રિકેટરોને પણ કરોડોનું નુકસાન થયું છે.

