IND-U19 vs SA-U19 / વૈભવ સૂર્યવંશીની કેપ્ટનશિપ પણ છે સુપરહીટ, ભારતે સાઉથ આફ્રિકાને 3-0થી કર્યું ક્લીન સ્વીપ

કેપ્ટન વૈભવ સૂર્યવંશીની સદી અને ત્યારબાદ એરોન જ્યોર્જની સદીની મદદથી ભારતીય અંડર-19 ટીમે ત્રીજી યૂથ ODIમાં સાઉથ આફ્રિકાની અંડર-19 ટીમને 233 રનથી હરાવી હતી. આ સાથે ભારતીય ટીમે સિરીઝ 3-0 થી જીતી લીધી. ત્રણ મેચની સિરીઝની છેલ્લી ODIમાં ભારતીય ટીમે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 393 રન બનાવ્યા હતા. જેના જવાબમાં યજમાન ટીમ 35 ઓવરમાં માત્ર 160 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
ભારતની શાનદાર શરૂઆત
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી. કેપ્ટન વૈભવ સૂર્યવંશી અને એરોન જ્યોર્જે પ્રથમ વિકેટ માટે 227 રન ઉમેર્યા. વૈભવે 63 બોલમાં પોતાની સદી પૂરી કરી. તેણે 171.62ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી અને 74 બોલમાં 127 રન બનાવ્યા.
આ ઈનિંગ દરમિયાન યુવા બેટ્સમેને 9 ચોગ્ગા અને 10 છગ્ગા પણ ફટકાર્યા. ઓપનર એરોન જ્યોર્જ અને વેદાંત ત્રિવેદીએ બીજી વિકેટ માટે અડધી સદીની પાર્ટનરશિપ કરી. એરોન 106 બોલમાં 118 રન બનાવ્યા, જેમાં 16 ચોગ્ગાનો સમાવેશ થાય છે.
આ સિવાય વેદાંત ત્રિવેદીએ 43 બોલમાં 34 રન બનાવ્યા. વિકેટકીપર-બેટ્સમેન અભિજ્ઞાન કુંડુએ 20 બોલમાં 21 રન બનાવ્યા. હરવંશ પંગલિયા 2 રન બનાવીને રન આઉટ થયો. આરએસ અંબરીશે 8 બોલમાં 8 રનનું યોગદાન આપ્યું. છેલ્લે મોહમ્મદ અનાન 28 રન અને હેનિલ પટેલ 19 રન બનાવીને અણનમ રહ્યા હતા.
સાઉથ આફ્રિકાની નબળી શરૂઆત
394 રન ચેઝ કરતા સાઉથ આફ્રિકાની શરૂઆત નબળી રહી અને ટીમ સતત વિકેટ ગુગુમાવતી રહી. તેણે પાંચ ઓવરમાં જ 4 વિકેટ ગુમાવી દીધી. ઓપનર જોરિચ વાન શલ્કવિકે ફક્ત 1 રન બનાવ્યો, જ્યારે વિકેટકીપર લેથાબો ફલામોહલાકા પોતાનું ખાતું પણ ન ખોલાવી શક્યો. કેપ્ટન મોહમ્મદ બુલબુલિયાએ પણ માત્ર 4 રન બનાવ્યા અને અદનાન લગાદિયેને 9 રન બનાવ્યા.
જેસન રોલ્સે 19 રનનું યોગદાન આપ્યું, જ્યારે ડેનિયલ બોસમેને 40 રન બનાવ્યા. પોલ જેમ્સે સૌથી વધુ 41 રન બનાવ્યા. કોર્ની બોથા 36 રન બનાવી અણનમ રહ્યો હતો. માઈકલ ક્રુઈસ્કમ્પ અને જેજે બેસને એક-એક રન બનાવ્યા. એનટાંડો સોનીને વૈભવ સૂર્યવંશીએ 6 રન પરને બોલ્ડ કર્યો. ભારત તરફથી કિશન કુમાર સિંહે 3 વિકેટ લીધી, જ્યારે મોહમ્મદ ઈનાને બે વિકેટ લીધી હતી.

