Womens AsiaCup: ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવી જીતથી કર્યો આરંભ
વુમન્સ એશિયા કપમાં શુક્રવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો ખેલાયો હતો. જેમાં પાકિસ્તાને ટોસ જીતીન

વુમન્સ એશિયા કપમાં શુક્રવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો ખેલાયો હતો. જેમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, પ્રથમ બેટિંગ કરતા 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 3 વિકેટના નુકસાને ટાર્ગેટ પાર પાડીને આસાનીથી મેચ જીતી લીધી હતી.
પાકિસ્તાનની મહિલા ટીમે આપેલા 109 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય મહિલા ટીમે શાનદાર શરૂઆત કરી હતી. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ પ્રથમ વિકેટ માટે 85 રનની ભાગીદારી કરી હતી. મંધાના 45 રન બનાવીને સૈયદા અરુબ શાહનો શિકાર બની હતી. જ્યારે શેફાલીએ 40 રન બનાવીને આઉટ થઈ હતી.
દીપ્તિ શર્માએ સૌથી વધુ ત્રણ વિકેટ ખેરવી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહેલી પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. પાવરપ્લેમાં ટીમે 2 વિકેટ ગુમાવી હતી અને માત્ર 37 રન બનાવી શકી હતી. જોકે, બાદમાં એક પછી એક વિકેટ પડતા આખી ટીમ 108 રનમાં ખખડી ગઈ હતી. દીપ્તિ શર્માએ સૌથી વધુ ત્રણ વિકેટ ખેરવી હતી. જ્યારે પૂજા વસ્ત્રાકર, શ્રેયાંકા પાટિલ અને રેણુકા ઠાકુરને બે-બે સફળતા મળી હતી.
બંને ટીમની પ્લેઇંગ- ઈલેવન
ભારતની ટીમ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દયાલન હેમલથા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, શ્રેયાંકા પાટિલ અને રેણુકા ઠાકુર સિંહ.
પાકિસ્તાનની ટીમ: નિદા દાર (કેર્ટન), સિદરા અમીન, ગુલ ફિરોઝા, મુનીબા અલી (વિકેટકીપર), આલિયા રિયાઝ, ઇરમ જાવેદ, ફાતિમા સના, તુબા હસન, સાદિયા ઇકબાલ, નશરા સંધુ અને સૈયદા અરુબ શાહ.








