સિડનીની હારથી તૂટ્યા કરોડો દિલ! ભારત WTC ફાઈનલની રેસમાંથી બહાર; ઓસ્ટ્રેલિયા થયું ક્વોલિફાય
સિડનીમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. કાંગારૂ ટીમે સિરીઝ

સિડનીમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. કાંગારૂ ટીમે સિરીઝની પાંચમી ટેસ્ટમાં 6 વિકેટે જીત મેળવી હતી. ભારતની આ હારથી કરોડો ભારતીય ફેન્સના દિલ તૂટી ગયા. આ હારથી ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2025ની રેસમાંથી પણ બહાર થઈ ગઈ છે. ભારતને હરાવીને કાંગારૂ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ક્વોલિફાય થઈ ગઈ છે.
આ પણ વાંચો: IND vs AUS / ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે જીતી સિડની ટેસ્ટ, 1-3થી સિરીઝ હાર્યું ભારત
અગાઉ સાઉથ આફ્રિકા WTC ફાઈનલમાં ક્વોલિફાય થયું હતું અને હવે ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ બની છે. ઓસ્ટ્રેલિયાએ WTC 2023-25માં હજુ 2 વધુ ટેસ્ટ રમવાની છે. ટીમ ઈન્ડિયાએ આ ચક્રની છેલ્લી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. WTC ફાઈનલમાં જગ્યા બનાવવાની પોતાની આશા જાળવી રાખવા માટે ભારતે કોઈપણ ભોગે સિડની ટેસ્ટ જીતવાની હતી.
WTC 2025 ફાઈનલ ક્યારે અને ક્યાં થશે?
તમને જણાવી દઈએ કે WTC ફાઈનલ માટે તારીખ અને સ્થળ ICC દ્વારા પહેલાથી જ નક્કી કરવામાં આવ્યા છે. આ ટાઈટલ મેચ 11થી 15 જૂન, 2025 વચ્ચે લંડનના લોર્ડ્સમાં રમાશે. જ્યારે જરૂર પડ્યે 16 જૂનને રિઝર્વ ડે તરીકે ઉપયોગમાં લેવાશે. તમને જણાવી દઈએ કે પહેલીવાર WTC લોર્ડ્સમાં રમાશે.
ઓસ્ટ્રેલિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાની ટીમ WTCની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. 2023માં ટેસ્ટ ચેમ્પિયનશિપની ટાઈટલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રને હરાવીને ટાઈટલ જીત્યું હતું. હવે ફરી એકવાર ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
આ વખતે ત્રીજી એડિશનની ફાઈનલ રમાશે. પ્રથમ એડિશનની ફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે હતી. ત્યારબાદ બીજી એડિશનની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. હવે ત્રીજી એડિશનની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટીમો ટકરાશે.








