IND vs NZ / ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા સિવાય આ રહ્યા ન્યુઝીલેન્ડ સામેની હારના કારણો
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ બેંગલુરુમાં રમાઈ હતી. આ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ બેંગલુરુમાં રમાઈ હતી. આ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. પ્રથમ ઈનિંગમાં માત્ર 46 રનમાં ઓલઆઉટ થયેલી ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં સરફરાઝ ખાનના 150 રન અને રિષભ પંતના 99 રનના દમ પર વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ માત્ર 60 રનની અંદર છેલ્લી 7 વિકેટ ગુમાવી દીધી હતી. અને ટીમ 462 રણમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
કિવી ટીમને જીતવા માટે માત્ર 107 રનનો ટાર્ગેટ હતો જે તેણે 2 વિકેટના નુકસાન પર 110 રન બનાવીને હાંસલ કરી લીધો અને મેચ 8 વિકેટે જીતી લીધી. તમને જણાવી દઈએ કે ન્યુઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં 402 રન બનાવ્યા બાદ 356 રનની લીડ મેળવી હતી. ચાલો જાણીએ એવા કારણો જેના લીધે ભારતને 36 વર્ષ પછી ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો.
બેટિંગ કરવાનો નિર્ણય
ટોસ જીતીને બેટિંગ કરવાનો ભારતનો નિર્ણય બિલકુલ ખોટો હતો. કિવી ટીમે ઓવર કાસ્ટ કંડીશન અને વરસાદને કારણે ભીની પિચનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમને 46 રનમાં ઓલઆઉટ કરી દીધી. બીજી ઈનિંગમાં જોરદાર વાપસી કર્યા બાદ પણ ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિતે અગાઉ પણ બેટિંગના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો.
છેલ્લી 3 વિકેટ ઝડપથી ન લઈ શક્યા
ભારતીય ટીમના બોલરોએ ન્યુઝીલેન્ડની પ્રથમ ઈનિંગમાં 233 રનના સ્કોર પર 7 વિકેટ ઝડપી હતી પરંતુ છેલ્લી 3 વિકેટ લેવા માટે 169 રન ખર્ચ્યા હતા. તેનાથી ઘણો ફરક પડ્યો.
બંને ઈનિંગ્સમાં નિષ્ફળ રહ્યા આ ખેલાડી
ટેસ્ટ ક્રિકેટમાં ભારતની સફળતામાં આર અશ્વિન અને રવીન્દ્ર જાડેજાનો મોટો ફાળો છે. આ બંનેએ ઘણીવાર બોલ અને બેટથી મહત્ત્વની ભૂમિકા ભજવી છે. બાંગ્લાદેશ સિરીઝમાં પણ ટીમ ઈન્ડિયાની સફળતામાં આ બંનેનો મોટો ફાળો હતો પરંતુ બેંગ્લોર ટેસ્ટમાં બંને ફ્લોપ રહ્યા હતા. બેટ અને બોલથી કોઈ જાદુ ન બતાવી શક્યા જે ટીમની નિષ્ફળતાનું મુખ્ય કારણ બન્યું.
કેએલ રાહુલની નિષ્ફળતા
ભારતની પ્રથમ ઈનિંગમાં તમામ બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા પરંતુ બીજા દાવમાં બધાએ યોગદાન આપ્યું હતું. સંપૂર્ણપણે નિરાશ કરનાર બેટ્સમેન કેએલ રાહુલ છે. રોહિત શર્માએ પ્રથમ ઈનિંગમાં 2 રન અને બીજી ઈનિંગમાં 52 રન બનાવ્યા હતા, વિરાટે પ્રથમ ઈનિંગમાં 0 રન અને બીજી ઈનિંગમાં 70 રન બનાવ્યા હતા, સરફરાઝે પ્રથમ ઈનિંગમાં 0 રન અને બીજી ઈનિંગમાં 150 રન બનાવ્યા હતા. પંતે પ્રથમ ઈનિંગમાં 20 અને બીજી ઈનિંગમાં 99 રન બનાવ્યા હતા. જ્યારે કેએલ રાહુલ બંને ઈનિંગમાં કઈ ખાસ ન કરી શક્યો. રાહુલ પ્રથમ ઈનિંગમાં શૂન્ય પર આઉટ થયો હતો અને બીજી ઈનિંગમાં પણ માત્ર 12 રન બનાવી શક્યો હતો. જો તેના બેટમાંથી મોટો સ્કોર આવ્યો હોત તો ભારતીય ટીમ ન્યુઝીલેન્ડને થોડા વધુ રનનો ટાર્ગેટ આપી શકી હોત.








