IND vs NZ / મુંબઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, 24 વર્ષ બાદ ઘરઆંગણે થયો ભારતનો વ્હાઈટવોશ
ન્યુઝીલેન્ડની ટીમે મુંબઈમાં ભારતને કારમી હાર આપી છે. ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 25 રનથી હરાવ્યું અને સિરીઝ 3-0થી

ન્યુઝીલેન્ડની ટીમે મુંબઈમાં ભારતને કારમી હાર આપી છે. ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 25 રનથી હરાવ્યું અને સિરીઝ 3-0થી જીતી લીધી. બીજી તરફ ભારતીય ટીમને 24 વર્ષ બાદ ઘરઆંગણે ક્લીન સ્વીપ મળી છે. ન્યુઝીલેન્ડે બીજી ઈનિંગમાં 147 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ટીમ ઈન્ડિયા ચેઝ ન કરી શકી. વાનખેડે ખાતે એજાઝ પટેલ અને ગ્લેન ફિલિપ્સની ખતરનાક બોલિંગ સામે કોઈપણ ભારતીય બેટ્સમેન ટકી નહોતો શક્યો. આખી ટીમ માત્ર 121 રનમાં સમેટાઈ ગઈ હતી.
સંપૂર્ણપણે નિષ્ફળ ગયા ભારતના બેટ્સમેનો
ટીમ ઈન્ડિયાની બેટિંગ સામાન્ય રીતે તેની સૌથી મજબૂત બાજુ માનવામાં આવે છે. પરંતુ મુંબઈ ટેસ્ટની બીજી ઈનિંગમાં 147 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા માટે આ સૌથી નબળી કડી સાબિત થઈ. રિષભ પંતની 64 રનની ઈનિંગ સિવાય કોઈ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહોતો. તમને જણાવી દઈએ કે 11 માંથી માત્ર 3 બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા. એટલે કે 8 બેટ્સમેનોએ 10થી ઓછા રન બનાવ્યા હતા.
બીજી ઈનિંગમાં કેપ્ટન રોહિત શર્માએ 11 રન અને તેના ઓપનિંગ પાર્ટનર યશસ્વી જયસ્વાલે 5 રન બનાવ્યા હતા. આ સિવાય રન ચેઝ માટે પ્રખ્યાત વિરાટ કોહલી માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. તેના સિવાય શુભમન ગિલ અને સરફરાઝ ખાને 1-1 રન બનાવ્યા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજા 6 રન બનાવીને આઉટ થયો હતો, વોશિંગ્ટન સુંદર 12 રન બનાવીને, અશ્વિન 8 રન બનાવીને આઉટ થયો હતો. આકાશ દીપ અને સિરાજ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.






