ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવું નિશ્ચિત! ઓસ્ટ્રેલિયાના આ પૂર્વ દિગ્ગજ ખેલાડીએ કરી મોટી ભવિષ્યવાણી
ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ માટે અમેરિકા રવાના થઈ ગઈ

ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ માટે અમેરિકા રવાના થઈ ગઈ છે. T20 વર્લ્ડ કપનું આયોજન અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર થવાનું છે. આ ટૂર્નામેન્ટ 2 જૂનથી શરૂ થઈ રહી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ 5 જૂને આયર્લેન્ડ સામે તેના વિશ્વ કપ અભિયાનની શરૂઆત કરશે. આ પછી ભારત અને પાકિસ્તાનની ટીમો 9 જૂને સામસામે ટકરાશે. ટીમ ઈન્ડિયા આયરલેન્ડ અને પાકિસ્તાન સિવાય અમેરિકા અને કેનેડા સામે રમશે. જોકે, આ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર માઈકલ ક્લાર્કે પોતાનો વિચાર વ્યક્ત કર્યો છે.
'ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા ફેવરિટ...'
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર માઈકલ ક્લાર્કનું માનવું છે કે, રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને રોકવી આસાન નહીં હોય. ટૂર્નામેન્ટમાં ભારત વિરોધી ટીમો માટે મોટી મુશ્કેલીનું કારણ બનશે. તેથી, આ ટૂર્નામેન્ટ જીતવા માટે ભારત ફેવરિટ ટીમ છે. માઈકલ ક્લાર્કે કહ્યું કે, ટીમ ઈન્ડિયાની બેટિંગ સિવાય બોલિંગ પણ મજબૂત છે. આ ટીમને રોકવી સરળ નહીં હોય. હું માનું છું કે ટી20 વર્લ્ડ કપ જીતવા માટે ભારતીય ટીમ ફેવરિટ છે.
શું ટીમ ઈન્ડિયા 17 વર્ષનો દુષ્કાળ ખતમ કરી શકશે?
ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડ કપ 2007માં શરૂ થયો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપની પહેલી સિઝન જીતી હતી. પરંતુ ત્યારબાદ લગભગ 17 વર્ષ વીતી ગયા છે, પરંતુ ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી નથી. જોકે, એ જોવું રસપ્રદ રહેશે કે શું રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ 17 વર્ષના દુષ્કાળને ખતમ કરવામાં સફળ રહેશે? ભારતને પાકિસ્તાન, અમેરિકા અને કેનેડાની સાથે ગ્રૂપ Aમાં રાખવામાં આવ્યું છે. તેથી ટીમ ઈન્ડિયા આ ટીમો સાથે રમશે. ભારતીય ટીમ તેની પહેલી ત્રણ મેચ ન્યૂયોર્કના નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે.






